પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“પછી કહીશ.”

“પછી શીદ? આંહી કોની શરમ છે? મારી તો સરકારી ટાપાલોય ઉઘાડેછોગ ફૂટે છે, તો તારે વળી ખાનગી શું છે - સરકારથીય વધારે!”

“મારું મન નથી.”

“કાં?”

“પેલાએ કહ્યું’તું ને?”

“કોણે? ક્યારે? શું?”

“કાલ રાતે દૂધ લઈને આવેલા તે કહેતા’તા કે, નાનાં છોકરાંને પાવા માટે પણ રાખ્યા વિના દૂધ અહીં લઈ આવ્યા છે.” એટલું કહીને ભાણાનો ચહેરો ઉનાળામાં મધ્યાહ્નના બાફમાં બફાઈ વરાળો કાઢતા ચીભડાની ફાડ જેવો ગરમ, લાલ ને પીળો બની ગયો.

જમાનારા સહુ થોડી પળ ચૂપ રહ્યા. મહીપતરામના એક થોભિયાવાળા મિત્રે કહ્યું : “અરે ગાંડિયા! એ મારા બેટાઓ પસાયતાઓને તું ઓળખતો નથી. એ તો પાજી છે – પાજી!”

“હવે કંઈ નહિ; બાજી બગડી ગઇ.“ થાણદારે લાગ સાધીને ઠંડો ચમકો ચોડ્યો.

પછી તો આખા જમણના કળશરૂપ જે કઢી પીરસાઈ તેનો સ્વાદ બરાબર જામ્યો નહિ.

મહીપતરામનું મોં ઉજ્જડ વગડા જેવું બન્યું.


13. દેવલબા સાંભરી

પિનાકીની રજા પૂરી થઈ. વળતા પ્રભાતે એને ઘોડા પર ચડવાનું હતું. એની ટ્રંક એક વેઠિયો ઉપાડવાનો હતો.

આગલી રાતે મોટીબાએ એના માટે પેંડા વાળી આપ્યા. એ પેંડાનો માવો ઉતારવાનું દૂધ આ વખતે મહીપતરામે રોકડ પૈસાથી મંગાવ્યું હતું. ભાણાના

૪૮
સોરઠ તારાં વહેતાં પાણી