પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખેડૂએ કહ્યું : "હવે નૂરભાઇ, થાકબાક વળી શાનો? મારે વાડીમાં રજકો સૂકાય છે."

"તો પછી, બાપા, મોટા સાંગા રાણા, વેઠ્ય કરવા નોખી બળદ જોડ વસાવીએ! ને કાં તો પછી સરકારમાં લખાણ કરીને વેઠમાંથી કાયમી ફારગતી કરાવી લઈએ!"

"હા, પછેં બીજું તો શું થાય?" આપા આલેકે પાઘડીમાંથી બીડી શોધવા માંડી. "ક્યાં મરી ગઇ? ગધાડીની એક હતી ને?" એમ કહીને બીડીને પણ એણે સજીવારોપણ કર્યું.

ત્યાં તો માલિયો ઢેઢ ટ્રંક ઉપાડીને ઢેઢવાડેથી આવતો દેખાયો. ગામ પસાયતાએ કહ્યું:

"કાંઈ નહિ, દાખડો કરો મા, આ માલિયા પાસે હશે. એલા, એક બીડી હેઠ ફગાવજે તો. લ્યો, હું છાંટી લઉં."

સામે અવેડો હતો. છાપવું અંજલી ભરીને પસાયતો પાણી લઈ આવ્યો. છાંટીને બે બીડી લઇ લીધી. બે -ચાર ઘૂંટ તાણી લીધા પછી આપા આલેક પાછા વળ્યા: ને પિનાકી માટે નવા પસાયતાની શોધ ચાલી.


15. ખબરદાર રે'નાં

ભદ્રાપુર ગામના કાઠી દરબાર ગોદડવાળાએ પોતાની બે બાઈઓનાં ખૂનો કર્યાં. ત્રીજી પટારા નીચે પેસી ગઈ તેથી એનો જીવ બચ્યો. દારૂના નશામાં ચકચૂર ગોદડવાળાએ ત્રીજી સ્ત્રી હજુ જીવતી છે એટલી શુદ્ધિ રહી નહિ.

એ મામલાની તપાસ માટે અંગ્રેજ પોલીસ ઊપરી જાતે ઊતર્યા. તપાસના પ્રારંભમાં જ એણે પોતાના નાગર શિરસ્તેદારને ઓફિસરનું કામ છોડાવી બીજા કામ પર ચડાવ્યો. ઓફિસનો કબજો નવા માણસોએ લીધો. જાણે કોઈ દેશનું પ્રધાનમંડળ પલટાયું.

“ગોદડવાળા ખૂનના મામલામાં ઊંડા ઉતારવા માટે તમારી પાસે કોણ કોણ ત્રણ સારા માણસો છે?” નવા સાહેબે નવા બ્રાહ્મણ શિરસ્તેદારને

૫૪
સોરઠ તારાં વહેતાં પાણી