પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પૂછ્યું.

શિરસ્તેદાર રજૂ કરેલાં તરાણા નામોમાં મહીપતરામનું પણ નામ હતું.

ત્રણે જણાને સાહેબે રૂબરૂ તેડાવ્યા. હિન્દુસ્તાની ભાષા સૌ પહેલી પકડનાર આ પહેલો ગોરો હતો. મૂછના થોભા રાખતો, ઘોડે ચડી કાઠિયાવાડ ઘૂમતો, વગડામાં ખેડૂતોના ભાતમાંથી માગીને રોટલો ખાતો, ખેડૂતોની ભંભલીમાંથી પાણી પીતો, ખાઈ – કરીને પછી પોતાને ખવરાવનાર ખેડૂતની ભથવારી વહુ-દીકરીના હાથમાં દસ રૂપિયા મૂકી દેતો.

“સૂનો – ટુમ ગરીબ લોક.” એણે આ ત્રણે અમલદારોને કહ્યું. “ટુમ બચરવાલ! અમ ભી બચરવાલ! મઢમ સાબ કો દો બાબાલોગ હય, તીસરા આનેવાલા હય સુના?”

અમલદારો પોતાનું હસવું માંડમાંડ ખાળી શક્યા. તેઓએ માથાં ધુણાવ્યાં.

“મગર ટુમ રુશવત નહિ લેના, હમ રુશવત નહિ લેનાં. નેકીસે કામ કરના. દરબારા કા લોક બડમાસ. માલૂમ?”

“હા સાબ.”

“ક્યાં ‘હા સાબ’! ‘ફૂલ્સ’ (બેવકૂફના સરદારો)!! “ સાહેબે સિગાર ખંખેરી.

“ટુમ ખબરડાર રે’નાં. હમ ખબરડાર રે’નાં. ટુમકો સરકાર રિવોર્ડ (ઈનામ) દેગા ; હંય!”

“જાઓ, આપને કામ પર લગ જાઓ! અબાઉટ ટર્ન! ક્વિક માર્ચ! ડિસમિસ!”

મહીપતરામે પોતાનું મથક રાજકોટમાં બદલી નાંખ્યું. એની બદલી થઇ ત્યારે ભેખડગઢમાં બે-ત્રણ નાના બનાવો બની ગયા : એકા તો, દૂધવાળા, શાકવાળા અને ગામનો મોદી અકેક વારસા પૂર્વેની ઉઘરાણી કાઢીને પૈસા માગવા ઊભા થયા. અગાઉ આ ને આ જ મોદીએ વારસો વારસા એમ જ કહ્યા કરેલું કે, “અરે, મે’રબાન, આપના તે પૈસા હોય! એમાં શી મામલત છે?”

બીજું, ગામના લોકો – ખાસ કરીને ગરાસિયાઓ – કાંઈક પહેરામણી કરશે એવી આશાથી મહીપતરામે બસોએક માણસોને ચા પીવા બોલાવ્યા પણ એની વિદાયા વેળાએ બે-ત્રણ સાકરના પડા અને બેત્રણ નારિયેળ સિવાય કશું

૫૫
સોરઠ તારાં વહેતાં પાણી