પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉત્પન્ન ન થયું. ત્રીજું, એણે જે દિવસે સવારે વિદાય લીધી તે દિવસે સાંજે થાણદારે રુદ્રેશ્વરની જગ્યામાં મોટી મહેફિલ રાખી હતી.

આ બધાંનો બદલો એણે પોતાની પત્ની પર ને પોતાના બૂઢા બાપ ઉપર લીધો હતો; પરંતુ આજે તો પોતાની બદલી કોઈક અભ્યુદયનો માર્ગ ઉઘાડનારી હતી, તેથી સ્ટેશન સુધીનો રસ્તો શાંતિથી કપાયો.

પિનાકીને પણ રાજકોટ તેડાવી લેવામાં આવ્યો. છએક મહિના વીતી ગયા હતા. બીજો જ દિવસે રૂખડ વાણિયાની ફાંસીના દિન મુકરર થયો હતો.

રાજકોટ શહેર રાત્રિએ ગુલતાનમાં આવી ગયું હતું, કેમકે તે દિવસોમાં ફાંસી જાહેરમાં અપાતી. ગુનેગારનું મોત તો એક મોટા મેળાનો અવસર ઊભો કરતું.

“કાં, બૂંગિયો ઢોલ સાંભળ્યોને?” પાન-બીડીની દુકાનવાળો ચાંદમિયાંને એક પૈસાનું મસાલેદાર બીડું કરી આપતો-આપતો પૂછતો હતો. એના કાનમાંથી અત્તરનું પૂમડું મહેક-મહેક દેતું દેતું પાનના શોખીનોને ખુશબોનાં ઇજન આપતું હતું.

ચાંદમિયાંએ કહ્યું, “હા, યાર, અબ તો યે છેલ્લી- છેલ્લી ફાંસી દેખ લેવે.”

“કેમ છેલ્લી?”

“બાતાં ચાલતી હૈ કે અબ તો ફાંસી જેલ કી અંદર જ દેનેવાલી.”

“હા, કેટલાક ડરપોક જોનારાંઓની આંખે તમ્મર આવી જાય છે.”

“તો એસે નામરદોં કુ ઉધર આના નહિ ચાઇએ. લેકિન જાહેર ફાંસી તો આદમી કી મર્દાઇ કું માપનેવાલી હૈ.”

પાનની પટ્ટી તૈયાર થઈ ગઈ હતી. તે ચાવતો ચાવતો મિયાં ચાંદભાઈ પોતાના દોસ્તોને ખબર આપવા ચાલ્યો.

નાના છોકરા વહેલે મળસકે ઊઠીને એકબીજાને જગાડવા જવાની તૈયારી કરતા હતા. પગે ના ચાલી શકે તેવા પ્રજાજનો ઘોડાગાડીઓની વરદી દેતા હતા.

“ખબરદાર, ભાણાને જવા દેશો નહિ.” એવું કહી મહીપતરામ આગલી સાંજે ભદ્રાપુરના મામલાની તપાસે ઉપડી ગયા હતા.

પિનાકી સવારે ચાનોમાનો બહારા નીકળી ગયો, ને લોકોના ટોળામાં

૫૬
સોરઠ તારાં વહેતાં પાણી