પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સામેલ થયો.

આગળ પોલીસ : પાછળ પોલીસ : ડાબી ને જમણી બેઉ બાજુએ પણ પોલીસ. પોલીસોની બંદૂકો ઉપર સંગીનો ચકચકતાં હતાં. ઘોડા પર સવારી કરીને આગળ ચાલનાર પોલીસ અમલદાર અવારનવાર હુકમો છોડતો હતો. લોકોના ધસી પડતાં ટોળાંને હટાવવા માટે બજારની પોલીસ પોતાના ચાબુકવાળા ધોકા વીંઝતી હતી.

પોલીસોના ચોથરાં બંદોબસ્ત વચ્ચે એક ગાડું ચાલતું હતું. ચોમાસામાં ધોવાઈ ધોવાઈ બહાર નીકળેલા પથ્થરો એ ગાડાને પોતાના માથા પર ચડાવી ચડાવી પાછા નીચે પછાડતા હતા.

ગાડામાં બે માણસ બેઠેલા હતા. બેઉના હાથ હાથકડીમાં જકડેલા હતા. બેઉ પગોમાં પણ બેડી પહેરાવી હતી.

એક છોકરો પિનાકીની બાજુમાં ચાલ્યો આવતો હતો. તેણે કહ્યું :” શાબાશ : જોયો અમારો સુમારિયો! જોયું – મૂછોને કેવો વળ ચડાવી રહ્યો છે!”

પિનાકી જોતો હતો કે બેમાંનો એક કેદી પોતાના કડી જડેલા બે હાથને નવરા, નકામા ના રાખતાં પોતાની લાંબી મૂછોને બેઉ બાજુએ વળ ચડાવતો હતો. ને બબે તસુ મૂછ તો એના પંજામાં બેવડથી બહાર ડોકિયાં કરતી હતી. પિનાકીએ યાદ આવ્યું કે પૂજામાં બેસેતાં દાદા બરાબર આવી જ રીતે રૂને વળ દઈ દેવની દીવી માટે વાટો વણતા હોય છે.

“જોયું?” પેલા છોકરાએ ફરીથી કહ્યું : “આજ જ નહિ હો; પણ દરરોજ એને કોરટમાં લઈ જતા ને, ત્યારે રસ્તે ગાડામાં બેઠો બેઠો અમારો સુમારિયો દોસ્ત, બસ આમાં મૂછો જ વણ્યા કરતો. આજ મરવા જાય છે તો પણ મૂછો વણવી છોડતો નથી.”

“તમારો સુમારિયો?” પિનાકીએ વધુ ને વધુ નીરખવા માટે પોલીસોની નજીક ને નજીક ભીંસાતે ભીંસાતે પૂછ્યું.

“હા,” બીજો છોકરો ધીમેથી બોલ્યો : “અમે રોજેરોજ એના ગાડાની પાછળ ચાલતા.”

“ને એ અમને રોજ રામરામ કરતો. ‘શું ભણો છો?’ એમ પૂછતો. ‘કાંઈક

૫૭
સોરઠ તારાં વહેતાં પાણી