પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“ભાઈ સુમારિયા! તારે કાંઈ મન છે?” હાકેમે બીજા કેદીને પૂછ્યું.

"હા સાબ." કહીને એ માચડા પર ચડ્યો પછી એણે ગીત લલકાર્યું:

અરે શું માનવનો અભિમાન
પલકમાં પડી જશે રે.

જૂના સમયમાં ભજવતા 'વીણાવેલી' નામના નાટકનું ગાયન દસ જણાંના ખૂન કરનારો સુમારિયો કેદી ફાંસીના માચડા ઉપરથી એટલા બુલંદ સૂરે બોલ્યો કે સાતથરી ચોકીની બહારના પ્રક્ષકોના કૂંડાળાએ પણ એ ગીત સાંભળ્યું.

ગીત પુરું કરીને તરત જ એણે કહ્યું : "હવે લાવો, સાબ, ટોપી." કાળી ટોપી પહેરાવી. ગળામાં રસી ગોઠવાઈ. હજુ તો મુકાદમ પાટિયું પાડવા જાય છે, ત્યાં તો સુમારિયો મિયાણો પાટિયાની બહાર છલાંગ મારી ટિંગાઈ પડ્યો.

રૂખડ કેદીને જ્યારે કાળી ટોપી પહેરાવી ત્યારે અને પછી પાટિયું પડ્યું ત્યાં સુધી 'હોશિયાર રે'જો!', 'ખબરદાર રે'ના' - એવા સુકોમળ વીરતાથી ભરેલા સ્વરો ઊઠ્યા.

થોડીક જ વાર તરફડીને બંને લાશો ઝૂલવા લાગી. દૂરદૂરથી એ ઝૂલણ - ગતિને જ જોઇ કેટલાકોએ મૂર્છા ખાધી.

બંનેના શબોને અવલમંજલ પહોંચાડવા સરકારી પોલીસના 'હેડક્વાટર્સ'માંથી જ સિપાઈઓ આવ્યા. સુમારિયાને દફનાવીને પાછા સહુ રૂખડ શેઠની ચિત્તા પાસે બેઠા.

એ ચિતામાં રૂખડ શેઠની સિપારણ પોતે પગથી માથા સુધી કાળા લેબાસે દૂર એકલી બેઠી હતી. એ કાળાં કપડાંને પોતે ઉપલા સોહાગી શણગારની નીચે જ અંગ પર છુપાવ્યાં હતાં.

૬૦
સોરઠ તારાં વહેતાં પાણી