પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

16. મીઠો પુલાવ


નાવો ઝડપથી બનતા જતા હતા. અષાઢ-શ્રાવણનાં વાદળાંને રમાડતી લીલા જેવી એ ઝડપ હતી. ભદ્રાપુરના દરબાર ગોદડને એના ગઢમાંથી કોઈ જીવતો ઝાલી શકે તેવી સ્થિતિ નહોતી રહી. સરકારની આજ્ઞા એના ઉપર કેસ ચલાવીને એને જીવતો કેદ કરવાની હતી. એજન્સીનો કારભાર બેસતી અવસ્થાનો હતો. રાજાઓને એક ઝપાટે સાફ કરી નાખવાની એની ગણતરી નહોતી. એને તો લાંબી અને બહુરંગી લીલા રમવી હતી. વૉકર સાહેબના અટપટા કોલ-કરારો એજન્સીના હાકેમોને ડગલે ને પગલે ગૂંચ પડાવતા હતા.

જે જાય તેને તમંચા વડે ઠાર મારવાનો તોર પકડીને ભદ્રાપુરનો ગોદડ દરબાર બેઠો હતો. એને જીવતો ઝાલવા માટે જાનનું જોખમ ઉઠાવે એવા એક માનવી ઉપર એજન્સીના ગોરા પોલીસ-ઉપરીની નજર પડી : સાત વર્ષની સજામાંથી છૂટીને એક ભાવર બહાર આવ્યો હતો. અમલદારે એ ભાવરની જોડે ગિરનારના બોરિયા ગાળામાં મુલાકાત ગોઠવી. જોડે મહીપતરામ હાજર રહ્યા.

ભાવર અંબાઈ રંગનાં ઈજાર અને પહેરણ પહેરીને પથ્થર પર બેઠો હતો. એની આંખોમાં સિંહ-દીપડાનાં લોચનની લાલશ હતી. સાહેબે પૂછ્યું : "સાત વરસ પર કાંથડ કામદારને ગામની બજારમાં ઝટકા કોણે મારેલા?"

"અમે."

"દરબાર એ ખૂનમાં સામેલ હતા તે વાત ખોટી?"

"તે દિવસે કોર્ટમાં ખોટી હતી, આજે સાચી છે."

"એ ખૂન તમે જ ત્રણ જણાએ માથે લઈ લીધાં તેનું શું કારણ?"

"દરબારને બચાવવા હતા."

"એનો બદલો દરબાર તમને શું દેવાના હતા?"

"અમને ફાંસી થાય તો અમારાં બાલબચ્ચાંને પાળત."

"કેવાંક પાળ્યાં તે તો તેં જોઈ લીધું ને!"

ભાવરે કશો જવાબ ન આપ્યો, પણ તેની લાલ આંખો વધુ લાલ બની. પછી એ આંખોમાં ઝળઝળિયાં ભરાયાં. એ આંસુના પડદા ઉપર એને એક તમાશો દેખાતો હતો... એની પચીસેક વર્ષની જુવાન ઓરત ઝુલેખા ઘરમાં મીઠા

૬૧
સોરઠ તારાં વહેતાં પાણી