પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દરબારશ્રી ગોપાળદાસ અને પારેવડાના ખેડુ શેઠશ્રી છગનભાઈ મોદીના જીવનમાંથી સૂચન મેળવીને સરજેલી વિભૂતિઓ ઘણા ઘણા સોરઠવાસીઓએ આ કથામાં ઓળખી કાઢી છે.

એક મિત્ર લખે છે : 'પ્રેમત્રિકોણના હંમેશના પંથ કરતાં આ નવલકથા જુદા પ્રકારની હોઈ, વહેતા જનપ્રવાહની આ કથા હોઈ, સપારણના પાત્રને તેમજ પિનાકીને શેઠને આગળ ચલાવી છેક અસહકારના જુવાનો સુધી આવી શકો તો બીજો ભાગ લખી શકાય તેવી તાકાત આમાં છે.'

આ સલાહને હું શુભાશિષ સમજું છું.

બોટાદ : 15-5-'37
ઝ૦ મે૦
 

[બીજી આવૃત્તિ]


'વહેતાં પાણી' પછીનાં ચાર વર્ષોમાં બીજી સાત વાર્તાઓ આલેખવા શક્તિમાન બન્યો છું, અને એ સાત ને વત્તા-ઓછા પ્રમાણમાં સફળ જાહેર કરનાર જવાબદાર અભિપ્રાયો પણ પડ્યા છે. 'વેવિશાળ', 'તુલસીક્યારો', 'સમરાંગણ' અને 'અપરાધી' તો ઘણું મોટું માન ખાટી ગયાં છે; તે છતાં 'વહેતાં પાણી'નું સ્થાન મારા વાર્તા-સર્જનોમાંના એક વિશિષ્ટ પ્રકાર તરીકે મને નિરાળું જ લાગ્યું છે. આપ્તજનોનો આગ્રહ છે, ને મારીયે મુરાદ રહી છે, કે 'વહેતાં પાણી'ને આગળ વહાવું. પણ એક ભય એ લાગે છે કે, એમ કરવા જતાં સોરઠનો સર્જાતો ઈતિહાસ વાર્તાસ્વરૂપના કલાત્મક રહસ્યાલેખનને કદાચ શુષ્ક બનાવી મૂકે એટલો બધો નજીક તો નહિ આવી જાય?

આ વાર્તાના વહનમાં પહેલી આવૃત્તિમાં સરતચૂકથી, ને બીજીમાં તો અશક્તિથી, એક પાત્ર લટકતું જ રહી ગયું છે : મહીપતરામના વૃદ્ધ પિતાનું પાત્ર. એને હું ન તો જીવાડી શક્યો કે ન મારી શક્યો! વાસીદામાં સાંબેલું રહી ગયું છે. એના પ્રથમ ઉઘાડ વખતે બેહદ દુઃખી જીવન ખેંચીને મૂએલા મારા દાદાનું સ્મરણ મારા મનમાં ઘોળાયું હતું. પણ આજે ઓગણત્રીસ વર્ષ પરની એ દુઃખમૂર્તિની જંપેલી ચિત્તાને હું નહિ ફેંદું.

સર્વ પાત્રો વચ્ચેથી જાજરમાન ખેડુસ્વરૂપે ખીલી ઊઠતા મારા વીર-

[8]