પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તમંચો ચોરીને લાવ્યો'તો, તેને આજ બપોરે જ ઓલ્યા ભાડિયા કૂવામાં નાખી દીધો છે, સાહેબ."

એટલું કહીને ભાવર ઊઠ્યો.

"ત્યારે હવે તું શું કરીશ?" સાહેબે ભાવરને પૂછ્યું.

"મારાં માવતર ભેગો જઈને ખેડ કરીશ, લાકડાં વાઢીને ભારી વેચીશ. કંઈક ધંધો તો કરીશ જ ને!"

સાહેબે એના તરફ હાથ લંબાવી કશુંક આપવા ધાર્યું. "લો, યે લે કર તુમારા ધંધા કરો."

એ એક પડીકું હતું. ઉપર રૂપિયાનાં ગોળ ચગદાંની છાપ પડી હતી. ભાવરે છેટેથી જ સલામ કરી.

"માફી માગું છું."

"કેમ?"

"ધંધો કરવાનો છું તે તો બાકીની જિંદગાની ખેંચી કાઢવા માટે - તાલેવર થવા માટે નહિ, સાહેબ."

"લો, લો, બેવકૂફ!" સાહેબે જિદ પકડી.

"સાહેબ બહાદુરની બડી મહેરબાની. હું તો હવે ખાઈ ખૂટ્યો છું." કહીને ભાવર અંબાઈ રંગની પછેડીને છેડે આંખો લૂછતો બહાર નીકળ્યો. મહીપતરામ એને વળાવવા ગયા.

જુવાન ભાવરે આંખો લૂછતે લૂછતે કહ્યું : "એક મહેરબાની માગું?"

આ માગણીથી મહીપતરામ રાજી થયા. એણે જુવાનની પીઠ ઉપર પ્રેમભર્યો હાથ મૂક્યો, ને કહ્યું : "બેટા, આમ જો : હુંય તારી જાતનો જ છું : સિપાઈ છું. જનોઈ તો મારું જૂનું બરદામું છે. તું ડરીશ ના. તું ને હું બેય સિપાઈઓ."

"તો જે દી તમે દરબારને ઝાલો, તે દી ફક્ત એટલું જ કરજો : મારી... મારી ઝુલેખાને કોઈનું નામ આપ્યા વિના પૂછી જોજો, કે એ જ્યાં છે ત્યાં સુખી તો છે ને?"

મહીપતરામ થોડી વારે હસ્યા, ને એણે ભાવર જુવાનને પૂછ્યું : 'તું તો કહેતો હતું ને કે તારે ને એને હવે જમીન-આસમાનનું છેટું થઈ પડ્યું."

૬૩
સોરઠ તારાં વહેતાં પાણી