પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કહેતો'તો ખરો, પણ સાહેબ, વળી વખતે માયલી કોરથી જેમ કોઈ વાયુનો ગોળો ચડતો હોય ને, તેમ એ બધું યાદ ચડે છે."

"તારે એનાં સુખ-દુઃખના ખબર જાણવા છે ને? જા, છોકરા; આઠમે દિવસ આવજે. હું પોતે જઈને ખબર કાઢી ન આવું તો હું બ્રાહ્મણના પેટનો નહિ."

એમ કહીને એણે પોતાના મુકામનું ઠામઠેકાણું આપ્યું. ભાવરે મહીપતરામના પગ ઝાલી લીધા.

"ઊઠ." મહીપતરામે એને ઊભો કર્યો. "મરદ બની જા. ને ખેતીબેતી કે મજૂરીધંધો તું હવે કરી રહ્યો. મારું માને તો જાજે ગાયકવાડની પલટનમાં, ધારી ગામે; ને નોકરી માગી લેજે. નીકર આ ઝાડવેઝાડવાં ને આ ભદ્રાપરની સીમના ડુંગરેડુંગરા દિવસ-રાત તને એ-ના એ જ અજંપા કરાવશે, ગાંડિયા!"


17. સાહેબના મનોરથો


ખૂબખૂબ ભાવરની પીઠ થાબડીને મહીપતરામે તેને ડુંગરા બહાર વળાવ્યો, ને પછી પોતે પણ સાહેબની જોડે ઘોડેસવાર બન્યા.

સૂરજે પોતાના ઘોડલાની રાશ ગગનમાં ઢીલી મૂકી હતી. અધ્ધર આભના શૂન્યમાં ફરતાં એનાં રથ-પૈડાંની ને ઘોડાના ડાબલાની અબોલ ગતિ ચાલતી હતી. રેવતાચળના ગળા ફરતાં વાદળીઓના વણેલા ખેસ વીંટળાતા હતા. ગરવો ગિરિ સોરઠની ધરા ઉપર ગાદીએ બેઠેલા મોટા મહાજન જેવો - નગરશેઠ જેવો - દેખાતો હતો.

"મહીપટરામ!" સાહેબે પોતાની પાછળ પાછળ ઘોડો હાંક્યે આવતા અધિકારીને દમામભેર હાક દીધી.

મહીપતરામે ઘોડો નજીક લઈને પૂછ્યું : "સાહેબ બહાદુર!"

"હું વિચાર કરું છું." સાહેબે હિન્દીમાં વાર્તાલાપ કરવા માંડ્યો.

"ફરમાવો."

૬૪
સોરઠ તારાં વહેતાં પાણી