પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"અજબ જેવી છે આ કાઠિયાવાડી કોમો. હું એ ભાવર જુવાનનો વિચાર કરું છું. હું ફાંસી પર લટકેલ સુમારિયાનો ને રૂખડનો વિચાર કરું છું. સચ ફાઈન ટાઈપ્સ ઑફ શિવલ્રી ફાસ્ટ ડિકેઈંગ : હાં?"

સાહેબ વીસરી ગયા કે મહીપતરામને અંગ્રેજીનું જ્ઞાન સાહેબની સિગારેટના ગોટામાંથી પેટમાં ખેંચવા પડતા ધુમાડા જેટલું પણ નહોતું.

"કેમ બોલતો નથી તું?" સાહેબે રોષ કરીને મહીપતરામ તરફ જોયું.

મહીપતરામ કહેવા લાગ્યા : "સાહેબ બહાદુર, આઈ ડોન્ટ નો ઈંગ્લિશ (હું અંગ્રેજી નથી જાણતો)."

"ઓહો!" સાહેબ હસી પડ્યા. "હમ ભૂલ ગયા, બાબા! બેગ યૉર પાર્ડન (દરગુજર ચાહું છું)!"

પછી સાહેબે પોતાના કથનનું ભાષાન્તર કરી સંભળાવ્યું :

"અફસોસ! આ નેકબહાદુર લોકનો નાશ થતો જાય છે, મહીપતરામ! હું હિંદી સૈન્યમાં મોટો અફસર હોઉં, તો એક સોરઠી રેજિમેન્ટ બનાવવાનો સવાલ ઉઠાવું : કોઈ એક કોમની નહિ, પણ તમામ સોરઠની રેજિમેન્ટ."

"સાહેબ બહાદુર જરૂર મોટા લશ્કરી હોદ્દા પર જવાના."

"ઐસા?" સાહેબનું મોં ફળફળતા ભાતની તપેલી જેવું હરખાયું.

"જી હા, મારા બાપ જૂના જ્યોતિષી છે. એમણે મને કહ્યું છે કે, સાહેબ બહાદુર આંહીંથી ઘણા મોટા હોદ્દા પર જવાના."

જ્યોતિષની આગાહી જાણીને ગોરો સાહેબ ટટાર થઈ ગયો. લોખંડી અણીવાળા, ઘૂંટણ સુધીના બૂટ ઘોડાનાં પેગડાંમાં ચાંપીને પોતે જીન પર ખડો થયો. ઘોડાએ દોટ દીધી. પછવાડે મહીપતરામની ઘોડી, કોઈ ગરાશિયાની માગેલી, વારકુ ચાલ્યમાં નટવીની માફક નાચતી ચાલી.

સાહેબે પોતાનો મુકામ એજન્સી-થાણાના એક ગામની વાડીમાં વડલાને છાંયે કર્યો હતો. એક નાનો તંબુ ને નાની રાવટી - સાહેબનો મુકામ - તે દિવસમાં નાનાંમોટાં લોકોનું મન હરનારાં બની ગયાં હતાં.

રાવટી પર આવી ઘોડેથી ઊતરતાં જ સાહેબે થોડે દૂર લોકોનાં ટોળાં જોયાં. અરજદારોને બોલાવવામાં આવ્યાં. એક તો 'ધૂપ પીપળા'ની જગ્યાનો બાવો હતો. તેણે અરજ ગુજારી : "અમારા થાનકની જગ્યા ફરતા પાંચ-પાંચ

૬૫
સોરઠ તારાં વહેતાં પાણી