પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

19. મારી રાણક!


સ્ટેશન જંકશન હતું. ગાડી ઊભી રહી કે તરત જ એક શણગારાયેલા સફેદી - સોનેરી ડબા સામે બરકંદાજો ગોઠવાઈ ગયા.

સામા પ્લેટફોર્મ પર એક બીજી ગાડી ઊભી રહી. તેમાંથી પ્રથમ તો મોરબી-ઘાટની ચપટી પાલી જેવી ગોળ સુંદર પાઘડીઓથી શોભતા કદાવર પુરુષો ઊતર્યા. તેમની દાઢીના વાળ વચ્ચે સેંથા પડેલા હતા. તેમના ટૂંકા કોટની નીચે લાંબે છેડે પછેડીઓ બાંધેલી હતી. તેની ચપોચપ સુરવાળો હરણ સરખા પાતળા પગોની મજબૂત પિંડીઓ બતાવતી હતી. તેઓના પગમાં રાણીછાપના ચામડાના મુલાયમ કાળા ચકચકિત બૂટ હતા. મચ્છુ કાંઠાનો જાડેજો તે વખતે નવા જમાનાની રસિકતામાં તેમજ રીતરસમમાં પ્રવેશ કરનાર સૌ પહેલો રજપૂત હતો.

આ સફેદ બાસ્તા જેવાં ને ગળીની આસમાની ઝાંય પાડતાં વસ્ત્રો એક પ્રકારની મીઠી સુગંધ વર્તાવીને સામા પ્લેટફોર્મ પર ચાલ્યાં ગયાં. તે પછી નવું દૃશ્ય નજરે પડ્યું. ડબાનાં બારણાં સામે લાલ મધરાસીના ઘૂંઘટવાળા ને સફેદ જગન્નાથીની દીવાલવાળા ડેરા ગોઠવાઈ ગયા. તેમાં કોઈકને પૂરવાનો કશોક મામલો મચી રહ્યો. ડેરા પણ બારણાંને ઢાંકવા માટે પૂરા ન પડતા હોય તે રીતે બીજા પણ પડદા બારણાંની બેઉ બાજુ પાડી દેવામાં આવ્યા. પાંચ - સાત માણસો આ ડેરાને ઘરી આકુલવ્યાકુલ દશા દાખવતા હતા, ત્યારે ચાર-છ ઘેરદાર ઘાઘરાવાળી બાઈઓ એ ડેરાની ફડક ઊંચી કરતી, ડેરો પકડી ઊભેલાઓને ટપારતી, ઠપકો દેતી, સૂચના આપતી, ડબામાંથી કોઈક રહસ્યાભર્યું, કોઈ ભેદી ને નિગૂઢ કશુંક, ડેરાના પડદા વચ્ચેથી ઉતારતી હતી.

આવા દેખાવો અગાઉ કદી ન જોયા હોવાથી પિનાકીને આ દેખીને કોઇ મોટું માછલું પકડનારા માછીમારો અથવા કોઇ એકાદ ભાગેડુ કે હિંસક પશુને ફાંસલામાં આણવા ઉશ્કેરાટભર્યા મથનાર શિકારીઓ સાંભરતા હતા.

આખરે ડેરાની અંદર કશુંક સહીસલામત ઊતર્યું લાગ્યું, ને ડેરો ગતિમાં મૂકાયો. છ-આઠ સ્ત્રી-પુરુષોએ પકડેલા એના પડદા ઘટ્ટ હોવાથી અંદર ફકત ઊચાં-નીચાં થ્તાં એક-બે માથાં હોવાનું અનુમાન થઈ શકતું હતું.

૭૧
સોરઠ તારાં વહેતાં પાણી