પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવો સંદેશો મોકલશે કે વીરા, હું દુઃખી છું, તો મારી મામીની પીરાણી ઘોડીને પાંખો પ્રગટશે, ને આંહીં આવી હું આમ કરીને તારી છાતીમાં તલવાર પરોવી લઈશ...'

આ વખતે "કટ" જેવો કોઈક અવાજ થયો. પિનાકીના તરંગપડદા વીખરાઇ ગયા. એણે ભાનમાં આવીને જોયું, તો પોતાના હાથમાંની પેન્સિલને રેલવે સ્ટેશનની લાદી ઉપર પોતે જોર કરી દબાવી હતી, તેથી તેની અણી ભાંગી ગયાનો જ એ નાનો કડાકો થયો હતો.


20. અમલદાર આવ્યા


"વડી બધી સત્તા સરકારની - કે મારે મારી બાયડિયું ને કેમ રાખવી કેમ ન રાખવી, મારી નાખવી કે જીવતી રાખવી, એ બધી મારા ઘરની વાતુંમાં ઈ માથું મારે! ના, ના; ઈ નહિ બને."

વડલા-મેડીના રાજગઢના ગોદડ દરબારનું આ પ્રકારનું તત્ત્વાલોચન ચાલતું હતું.

"પણ આપણે શા માટે એમ કહેવું પડે -" વાણિયા કારભારી દરબારને સમજાવતા હતા : "કે બાઈઓને કોઈએ માર્યા છે?"

"ત્યારે શું મારે સગે હાથે ઝાટકા નથી માર્યા? હું શું નામર્દ છું?"

કામદારને જાણ હતી કે આ મરદ નશાની અસરમાં બોલે છે. એણે કહ્યું: "રાણીસાહેબને માર્યા તો છે તમે જ, વીરતા તો તમે જ કરી છે; પણ આપણે આપણી વીરતા આપણે મોઢેથી શા માટે ગાવી? શૂરવીર તરીકે આપણે તો શરમાવું જોઈએ."

"શાબાશ!" દરબારે હવામાં હાથનો પંજો થાબડ્યો. કામદાર તદ્દન બીજી જ બાજુએ બેઠા હતા. "મેં કોઈ અમથો તું જેવો કારભારી રાખ્યો હશે? નવાનગરને ઘેરેય તારું દીવાનપદું દીવડા કરે. મહારાજ ભાવસંગજી માગણી કરે તોય તને હું ન છોડું."

૭૬
સોરઠ તારાં વહેતાં પાણી