પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અઢેલી એક ચાકળા ઉપર વીશ વર્ષની ઝુલેખા અદલ કાઠિયાણી વેશે, પુનિત દીદારે બેઠી છે. સામે ત્રણ પુરુષ-વેશધારી બાળકો શાંત મુખમુદ્રા ધારણ કરીને બેઠા છે. તેમના વેશ સુરવાલ તેમજ પહેરણના છે : માથા પર ઝીક ભરેલી ટોપીઓ છે, પણ કેશના મોટા અંબોડા છે : હાથમાં ચૂડીઓ - બંગડીઓ છે, ને પગમાં ઝાંઝર-ત્રોડા છે : નાકમાં ચૂકો ને છેલકડીઓ છે. એક છ વર્ષની, બીજી આઠેક વર્ષની ને ત્રીજી નવ વર્ષની - એ ત્રણે ગોદડ દરબારની મૂએલી સ્ત્રીઓની પુત્રીઓ છે. સામે એક બ્રાહ્મણી સ્ત્રી બેઠી બેઠી મહાભારત લલકારે છે.

તાજુબ ફકીર પોતાની ચેષ્ટાઓ ચૂકી ગયો. મોરપિચ્છનો ઝુંડ તેમ જ લોબાનનું ધૂપદાન એના હાથમાં જ થંભી રહ્યાં. સાંભળેલી વાત સાચી પડી : આ લબાડ ગણાતી ઓરત પોતાની શોક્યોની પુત્રીઓને તાલીમ આપે છે. માતાઓ જીવતી હતી ત્યારથી જ પુત્રીઓએ અહીં રહેવાનું પસંદ કર્યું છે.

બ્રાહમણી વિધવાને માથે મુંડન હતું. સફેદ વસ્ત્રો એના ગંભીર, ગમગીન, તોયે તાજા મુંડને તેજસ્વી લાગતા મોંને વિના વાળ-લટોએ પણ શોભાવતાં હતાં. મહાદેવને મસ્તકે ચૈત્ર-વૈશાખની જળાધરી ગળે તેમ એના ગળામાંથી મહાભારતના શ્લોકો ટપકતા હતા. એનું રસપાન કરતી ભાવરાણીનાં નેત્રો મીટ પણ નહોતાં ભાંગતાં. વચ્ચે વચ્ચે જ્યારે દ્રૌપદીના ધા-પોકારવાળા શ્લોકો આવતા ત્યારે એનું મોં ધીરે રહીને પેલી પુરુષવેશધારી ત્રણ કન્યાઓ તરફ ઢળતું ને મલકાતું.

ફકીર તરફ ઝૂલેખાનું ધ્યાન થોડી વાર પછી ગયું. એક મુસ્લિમ પંથના ધર્મપુરુષને આવી અદબ રાખી હિન્દુ ગ્રંથ સાંભળતો દેખી ઝુલેખા પણ ચકિત થઈ. એને મહાભારત વાંચનારી વિધવાને હાથની ઇશારત કરી. વાજાની ધમણ ધીમે ધીમે પડે તે રીતે બાઇના લલકાર ધીમા પડ્યા.

ઝુલેખાએ ઊઠીને ફકીરને બે હાથની કુરનસ કરી : "પધારો સાંઇબાપુ!"

"દાતાર આબાદ રખે, બચ્ચા!" ફકીરે સન્મુખ જોયા વગર જ પંજો ઊંચો કરી દુવા પોકારી.

"દાતારને ડુંગરેથી પધારો છો, બાપુ?"

"હાં બેટી! જમિયલશા કા હુકમ હુવા. આના પડા."

૭૮
સોરઠ તારાં વહેતાં પાણી