પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સર્વને વળાવી પોતાના મલીરને ભરાવદાર છાતીનાં ડોક નીચેનાં બનેલાં છૂંદણા ઉપર ઓઢાડી દેતી દેતી ઝુલેખા સાંઇની પાસે આવી. પોતે ચાકળા પર બેઠી. સાંઇએ ચાકળા પર બેસવાની ના પાડી:

"નહિ બેટા! ફકીરો કું તો જમી કા જલેસા જ ખપે, મેરા બાપ!"

એટલું કહીને ફકીરે પહેલી વાર નેત્રો ઊંચા કર્યાં, ને ઝુલેખાની મુખમુદ્રા સામે નોંધ્યા. એની ઝાંખી આંખોનાં કોડિયામાં કોઇએ નવું દિવેલ પૂર્યું હોય તેમ ડોળાની દિવેટ-કીકીઓ સતેજ થઇ. ફકીર બોલ્યો : "એક જ સવાલ ફકીર પૂછેગા. જવાબ દેગી બેટા?"

ભાવરાણી સામો ઉત્તર આપે તે પહેલાં તો ફકીરે પોતાનો સવાલ છોડી નાખ્યો : "તું સુખી છે?"

"કેમ?" ઓરતે ગુજરાતી વેણ સાંભળીને ત્રાઠી હરણીની પેઠે કાન ઊંચા કર્યાં.

"એક આદમીએ પૂછાવ્યું છે."

"બાપુ!" સ્ત્રીએ પોતાની મોટી આંખોનાં ભવાં ચડાવ્યાં : "તમે જોગી છો, કે દલાલ છો કોઈના?"

"હું સિપાઈ છું." એટલું કહેતાં ફકીરે પૂરાં હોડ ઉઘાડ્યા, ને બત્રીસે દાંતની હાર એ બોખા મોં માં ડોકિયાં કરી ઊઠી. ગલોફાના ખાડા ઓચિંતી કોઈ સરવાણી ફૂટી હોય તેમ ઉપસી આવ્યા, ને ભાવરણી ચમકે તે પહેલાં તો એણે કહ્યું : "સિપાઈ છું, ને સિપાઈ બચ્ચાનો સંદેશ પૂછવા આવેલ છું - એવો સિપાઇ બચ્ચો, જેનું કલેજું ચિરાય છે ને જેણે પોતાનું સત્યાનાશ કરનારને પણ માફી બક્ષી છે."

ઝુલેખા નરમ પડી. એનું મોં ભોંઠામણના ભારે ફિક્કું પડ્યું. એની સૂરત લોહી વિનાની થઇ પડી.

ફકીરે મક્કમ સૂરે કહ્યું : "તને ભોળવવા નથી આવ્યો. તારો છાંટોય લેવા એ તૈયાર નથી. પણ એને જાણવું હતું - મુખોમુખ જાણવું હતું - કે તું સુખી છો કે નહિ?"

"એ બાયલો મને પુછાવે છે?" ઝુલેખાએ તુચ્છકારભર્યું હાસ્ય કર્યું.

"બાયલો! તમને માફી આપનાર બાયલો કે?"

૮૦
સોરઠ તારાં વહેતાં પાણી