પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ બોલીને ફકીરે પાછા હોઠ લાંબા કર્યા, આંખોના પડદા ઢીલા મૂકી દીધા. કમરથી ઉપરનો ભાગ ઝુકાવીને એ ચાલતો થયો.

ઝુલેખા ઊંચી પરસાળની એક થાંભલી જોડે, એ થાંભલીના લાકડામાંથી કોતરામણ કરી કાઢેલી પૂતળી હોય તેવી ઊભી થઈ રહી, ને એના ચીસ પાડવા આતુર મનને કોઈ ચેતાવતું રહ્યું : 'મારી પછવાડે આખી શહેનશાહત છે!'

'મારી પછવાડે આખી શહેનશાહત છે!' એવી ખુમારી જન્મ પામ્યાનો એ જમાનો હતો. પ્રથમ પહેલા સરકારી પોલીસની નોકરીમાં જોડાનારા બ્રાહ્મણ-વાણિયાઓને એ ખુમારી ગોરા અધિકારીઓએ આપી હતી. નાનાં - મોટાં રજવાડાંની જ વસતીમાંથી પેદા થયેલા આ નવા અમલદારોએ જીવનમાં પહેલી જ વાર આ ઠકરાતોના ઠાકોરો તાલુકદારોને 'અન્નદાતા' શબ્દ કહેવો બંધ કર્યો. એજન્સીની નોકરી કરનાર અનેકના હ્રદયમાં એક જ પ્રકારની ઉમેદ જાગી કે ફલાણા ફલાના દરબારને ક્યારે હાથક્ડી પહેરાવીએ!

રાજકોટના સિવિલ સ્ટેશનમાં શહેરની નોકરી કરનાર સહુ કોઈ સિપાઈને ખબર પડી કે પોતાનો એક હાથ ઊંચો થયે જામ, બાબી કે જાડેજા નરેશોની આઠ-આઠ ઘોડાળી ગાડીઓને ખડી થઈ રહેવું પડે છે. રાતની રૉન (રાઉન્ડ) ના 'હૉલ્ટ, હુ કમસ્જ ધૅર'નો પ્રત્યેક પડકારો મોટા ચમરબંધીને મોંએથી પણ 'રૈયત!' કહેવરાવનારો બની ગયો. અને જ્યુબિલી બાગના હૉલમાં એક દિવસ ગવર્નર સાહેબનો દરબાર હતો તે દિવસે મુકરર કરેલ વખતથી એક મિનિટ પણ મોડા આવનાર દરબારની ગાડીને ન પેસવા દેવી એવો હુકમ લઇ ઊભેલા એક પોલીસે દાજીગઢના ઠાકોર સાહેબની ગાડી પાછી વાળી હતી. સપાઇ-બેડાનાં નાનાં-નાનાં છોકરાં થાણે થાણે આવી વીરકથાઓ રટતાં, ને આ જાતની ખુમારીમાં ઊછરતા એ ખુમારીનો લલચાવ્યો જ વઢવાણ-લીંબડીનો બ્રાહ્મણ જુવાન, ધારી-અમરેલીનો વેપારી વાણિયો, કે હરકોઈ ગામડાનો કાંટિયો જુવાન રાજકોટની સડકે ચાલી નીકળતો, સોળ શેરની બંદૂક ખભા પર ઉઠાવતો, શરીર કસતો, પરેડ શીખવનાર સૂબેદારના ઠોંસાને પણ વહાલા ગણી જ્યુબિલીને દરવાજે કોઇક વાર- કોઇક ગવર્નરની સવારી વખતે - કોઈક એકાદ ઠાકોરની ગાડી પાછી કાઢવાના સ્વપ્નાં સેવતો. લશ્કરી તૉર પેદા થયાનો એ જમાનો

૮૨
સોરઠ તારાં વહેતાં પાણી