પૃષ્ઠ:Sorath Tara Vaheta Pani.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બેફિકરપણે હિલોળતી-હિલોળતી, હસતી-હસતી કહેવા લાગી: "આવડો નાનકડો એક ભાઇ ભેળો હોય, પછી આવી એકાંતનો ને બા'રવટિયાનો શો ભો? આ ભરેલો છે હો કે?"

પૂનાને ત્યાંથી ખસવાનું મન થયું: હમણાં જ જાણે ભડાકો થશે.

પ્રભાત પડ્યું. તેને રામરામ કરતી હોય તેમ ઘોડી હણહણી. લખમણભાઇએ ઘોડીને દૂર બાંધેલી નિહાળી. નિહાળતાં જ એ બોલવા ગયોઃ "તમે - તમે -"

"હું ભાઇની બહેન છું. તમને તો મેં અવાજે પારખ્યા; કેમ કે એક દિવસ તમારા બોલ મેં સાંભળ્યા હતા."

"ક્યાં? કયા દિવસે?"

"મહીપતરામ જમાદાર નવા બદલીને આવ્યા, અમારે ઘેર ઉતર્યા, તેને વળતે દિવસે તમે અમારી ડેલીએ આવેલા. આગલી રાતે ગાડામારગને કાંઠે અમારા ખેતરની થોરની વાડ તમે ગૂડી'તી - ખુલાસો કરતા'તા તમે."

"ત્યારે તો શુકન થયાં. બેન જડી." લખમણભાઇએ બંદૂક પર હાથ દીધો.

"બેન જ જડી માનજો, ભાઇ! ને એક વાતની ગાંઠ વાળજો: સોંપાજો મા! ગમે તેવાં વચન આપે તોય ન સોંપાજો! દગલબાજ છે બધા."

"ને કાયદાએ ઘાણ કાઢી નાખ્યો છે આપણો." પુનો ત્રાંસી આંખે બોલ્યો. એણે હવે બેઠાં-બેઠાં માળાના જાપ માંડ્યા હતા.

"કાયદો શેનો? હું તમને - અરે, તમારી મરેલી માને હીણપ દઉં, ને તમે મને મારી નાખો - છડેચોક ચેતવણી દઇને ઠાર મારો - એમાં કાયદો ક્યાં વચ્ચે આવ્યો?"

"હા જ તો!" લખમણભાઇએ પોતાના મનોવ્યાપાર પ્રગટ કર્યાઃ "મને એમાં કાંઇ ગમ નથી પડતી કે બેન, તમારા ધણીની કાઢેલી મિલકત, એમાંથી તમે ગૌચરની ખેરાત કાઢો છો - એમાં કાયદાનો બાપ કોણે માર્યો?"

"કેમ, કાયદાનો બાપ થાણદાર છે. ઇ થાણદારને તો તમે માર્યો!" અણસમજુ વાશિયાંગે મુદ્દો પકડ્યો.

"મેં તો માર્યો, કારણ કે એણે સૈયદના છોકરાને મરવા જેવો મામલો

૯૧
સોરઠ તારાં વહેતાં પાણી