પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાથો મોઢવાડીયો
૯૧
 

મોઢવાડા ગામમાં મૂળુ મેરના દીકરા વણગા પટેલને ઘેર જેઠવા રાણાની હડ્ય રહેતી. ભલભલાના પગ એ વણગા પટેલની હડ્યમાં કેદ બનતા. વણગો તો રાણાની મૂછનો બાલ લેખાતો. એક દિવસ વણગાને ઘેરે છત્રાવા ગામનો રાણો ખુંટી નામનો મેર એક સો માણસને લઈને દ્વારિકાની જાત્રાએ જતાં જતાં માર્ગે રાત રોકાયો છે. વાળુ કરીને રાતે ચંદ્રમાને અજવાળે મહેમાનો ખાટલા ઢાળીને બેઠા છે. નાથા ભાભાની વાત નીકળી છે. એમાં રાણાએ વાત ઉચ્ચારી કે “વણગા પટેલ, સાંભળ્યું છે કે તમારા ગામનો બારોટ નાથા ભાભાના દુહા બોલે છે ને !”

“કોણ રાજો બારોટ ?”

“હા, રાજો, તેડાવને ઈણે; દુહા તાં સાંભળીએ !”

“રાણા, ઈ બારોટ જરાક બટકબોલો છે. તું એને બોલ્યે કાંઈ ધોખો તો નહિ ધર ને ?”

“ના ના, દુહા સાંભળવામાં ધોખો વળી કીવાનો ? ઇ તો જીવાં કામાં ઇવાં નામાં. ”

રાજા બારોટને તેડાવવામાં આવ્યો.

“કાં બારોટ ! નાથા ભાભાના દુહાની તેં ઓલી 'વીશી' બનાવી છે ઈ અમારા મહેમાનને સાંભળવાનું મન છે. સંભળાવીશ ને ?”

“પણ બાપ, કોઈને વધું ઘટું લાગે તો ઠાલો દઃખધોખો થાય. માટે મારી જીભને આળ આવે એવું શીદ કરાવો છો ?”

“ના, ના, તું તારે મન મોકળું મેલીને બોલ. શુરવીરની તારીફ નહિ સાંભળીએ તો બીજુ સાંભળશું કાંવ ? ”

“ઠીક ત્યારે. લ્યો બાપ !”

એમ કહીને રાજા બારોટે હોકો પડતો મૂકીને નાથા બારવટીયાની 'વીશી' બુલંદ અવાજે શરૂ કરી :