પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાથો મોઢવાડીયો
૯૫
 

અઢારે ઇડર તણો નકલંક ભેરે નાથ
હાકમ પેટે હાથ તેં નખાવ્યા નાથીઆ !

[તારી સહાયમાં તો ઇડરનો ગો૨ખનાથજી અવધૂત ઉભો છે. તેથી જ તું મોટા રાજાઓને લાચાર બનાવી રહ્યો છે.]

ઓગણીસે ઓસારીયા ઝાડો ને બાબી જે
કેસવ ભૂપત કે (તુંને) નમીયા પખેણો નાથીઆ !

[જાડેજા અને બાબી જેવાને તેં નમાવ્યા. માત્ર કૃષ્ણપ્રભુ તને નમ્યા વિનાનો રહ્યો છે.]

વીસે તું સામા વડીંગ ધરપત થાકા ધ્રોડ,
ચાડ્યું ગઢ ચિત્રોડ, નર તેં પાણી નાથીઆ !

[તારી સામે ઘોડાં દોડાવીને રાજાઓ હવે થાક્યા છે. તેં તો તારા અસલના પૂર્વજ સીસોદીયાઓના ધામ ચિતોડને પાણી ચડાવ્યું.]

“લ્યો બાપ ! આ નાથા ભાભાની વીશી.” એમ કહીને રાજા બારોટે ફરીવાર હોકો હાથમાં લીધો. એની મુખમુદ્રા પર લાલ ચુમકીઓ ઉપડી ગઈ છે.

“વાહ બારોટ ! વાહ !” એમ સહુ માણસોએ ધન્યવાદ દીધા.

“હું તો બાપ, મારા પાલણહારનાં કાલાં ઘેલાં આવડયાં તેવાં કાવ્ય કરૂં છું. હું કાંઈ મોટો કવેસર નથી.”

જ્યારે બહુ વાહ વાહ બોલાઈ, ત્યારે રાણો ખુંટી મર્મમાં હસવા લાગ્યો.

“કેમ બાપ હસવું આવ્યું ?” રાજા બારોટે પૂછ્યું.

“હસવું તો આવે જ ના બારોટ ! અટાણે તો નાથો ભાભો આખી મેર ભોમનો શિરોમણી છે. ને તમે એના આશ્રિત છો એટલે તમે એને સોને મઢો, હીરે ય મઢો, રાજા કહો, કે ભગવાન કહો. પણ ઓલ્યા અગીઆરમાં દુહામાં જરાક હદ છાંડી જવાણી છે, બારોટ !”

“શું બાપ ?”