પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાથો મોઢવાડીયો
૯૯
 

“નાથા ભાભા ! રામ રામ ! "

“રામ ! આવો આવો, લીલા જોશી, ને પુજા ચાંઉ ! આજ પોલે પાણે તમે કયાંથી ભૂલા પડ્યા ?”

“આ તમારાં રાજ સિંહાસન ને તમારા રાજવૈભવ જોવા નાથા ભાભા ! બાકી તમારૂં કામ તો આજ મોટા ચમરબંધીનેય પડે એવું ખરૂં ને ? લ્યો, આ રૂપાળીબાએ એના ધર્મના માનેલ વીરને રાખડી દઈ મોકલી છે.”

એટલું કહીને બે પરોણાઓએ સોનાની મુઠવાલી એક તરવાર, ખભે પહેરવાની સોનાની હમેલ, અને સાચો કીનખાપનો પોશાક થાળમાં ભરીને બહારવટીયાની સમક્ષ ધરી દીધો.

“વાહ વાહ ! જેઠવાની જનેતાને તો એમજ શોભે ને ભાઈ ? રાજમાતા તો રાજમાતા જ છે. એની કાંવ વાત ? મારે માથે ઘણાં ઘણાં હેતપ્રીત રાખે છે, રૂપાળીબાને પેટ તો અવતાર લીધે પાપ ટળે એવી એ જોગમાયા છે, ભાઈ !”

નાથો બેાલતો ગયો ને બન્ને પરોણા એને રૂપાળીબાના મોકલેલા પોશાક પહેરાવતા ગયા. રાજભક્તિના પોરસ વડે નાથાની છાતી ફુલાઈને દોઢી બની ગઈ, ઉમળકા આણીને એણે પૂછ્યું “માને કે'જો, મારા સરખું કામ સુંપતા રહે. મા તો આપણાં હાડ ચામડીનાં ખાળુ કહેવાય.”

“નાથા ભાભા ! માનાં દુઃખની વાત તો એક મા જાણે છે ને બીજા જાણે છે બજરંગ ! બાકી માને માથે તો ગુજારવી બાકી નથી રાખી !”

“કુણે ? ”

“કામદારે : ઓતા ગાંધીએ : બીજા કોણે ! મલકમાં બીજા કોની મૂછે બબ્બે લીંબુ લટકે છે ભાઈ ?”

“પણ વાત તો કરો ભાઈ, શી શી વાતું બની ગઇ છે ?"