પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
સોરઠી બહારવટીયા
 


બહારવટીયાઓ નાકે નાકે ઓડા બાંધીને ઉભા રહી ગયા છે. ગામમાંથી કૂતરૂં પણ બહાર જઈ શકે તેમ નથી. જે લંપટ સંધીને સજા દેવા વાલો આવ્યો હતો તે ગામમાં જ હાજર છે. જેની એારતને એ સંધી ઉઠાવી લાવ્યો હતો તે ભાઈબંધ પણ વાલા નામોરીની સાથે પોતાનું વેર લેવા આવ્યો છે. થોડી વારમાં તો એ ચોરને બાવડે બાંધીને બંદૂકદાર બહારવટીયાઓએ હાજર કર્યો. પારકી બાયડીના ચોરને જોતાં જ વાલાએ બંદુકનો ઘોડો ચડાવ્યો. ત્યાં તો સંધી આવીને “ એ વાલા ! બાપ વાલા ! તારી ગા'છું !” એમ બોલતો વાલાના પગમાં ઢળી પડ્યો. તુર્ત જ વાલાએ બંદૂકનો ઘોડો ઉતારી નાખ્યો.

“વાલા ભા ! એ નાપાકને માથે તને રહેમ આવી ગઇ ?” એમ બોલતો એ એારતનો ધણી તલવાર ખેંચીને પોતાના વેરીનું ગળું વાઢવા ધસ્યો.

આડા હાથ દઈને વાલો બોલ્યો “બેલી, હવે કાંઈ એને મરાય ? ગા'ની ગરદન કપાય કદિ ? રે'વા દે.”

એમ કહીને વાલાએ સંધીને પૂછ્યું “એલા સંધીડા, તું ગા' થાછ કે ?”

“સાત વાર તારી ગા'. ”

“તો ભાં કર.”

“ભાં ! ભાં ! ભાં ! ” એમ ત્રણ વખત સંધીએ ગાયની માફક ભાંભરડા દીધા. એટલે વાલો બોલ્યો,

“જો ભાઈ, બચાડો ગા' બનીને ભાંભરડા દીયે છે. હવે તારી તરવાર હાલશે ?”

“બસ હવે મારૂં વેર વળી ગયું ”

સંધીને છૂટો કર્યો.

“વાલા ભા !” એના બંદૂકદાર સાથીઓએ ગામમાંથી આવીને જાહેર કર્યું. “ઘરેઘર ફરી વળ્યા.”

"પછી ?”