પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલો નામોરી
૧૧૧
 


“ઝાઝો માલ તો ન જડ્યો.”

“એમ કેમ ?”

“આજ મોળાકતનો તહેવાર છે. વસ્તીની બાઈયું ઘરમાં જેટલાં હોય એટલાં લુગડાં ઘરેણાં અંગ ઉપર ઠાંસીને રમવા નીકળી ગઈ છે. ”

“ઠીક, હાલો બેલી !” એવો ટુંકો ન સમજાય તેવો જવાબ આપીને બહારવટીયો બંદુકને ખંભે તોળી મોખરે ચાલ્યો. પાછળ બધા સાથીએાએ પગલાં માંડ્યાં. ઝાંપા બહાર નીકળતાં જ વડલા નીચેથી બસો સ્ત્રીઓનાં ઝાંઝરના રૂમઝુમાટ તાળીઓના અવાજ અને સૂર સંભળાણા કે–

મણીઆરડા રે હો ગોરલના સાયબા રે,
મીઠુડી-બોલીવાળો મણીઆર
નીમાણાં નેણાં વાળો મણીઆર
ભમરીયા ભાલાવાળો મણીઆર.

સહુની આંખો એ દિશામાં મંડાઈ, પણ મુખી બહારવટીયો તો જાણે ઉજ્જડ વગડામાં ચાલ્યો જતો હોય એવી બેપરવાઈથી ડગલાં ભર્યે જાય છે.

“વાલા ભા ! આ બાજુએ.” સાથીએ સાદ કર્યો.

“શું છે બેલી ?” વાલાએ ગરવે મ્હોંયે પૂછ્યું.

“આંહી બાઈયું રાસડા રમે છે. હાલો આકડે મધ તૈયા૨ છે. ટપકાવી લઈએ."

“બેલી જૂમલા !” વાલે રાતી આંખ કરીને કહ્યું, “ઓરતુંનાં ડીલ માથે આપણો હાથ પડે તો બહારવટાનો વાવટો સળગી જાય.”

“પણ ત્યારે કાઠીયાવાડથી ઠેઠ કચ્છ સુધીનો આંટો ! અફળ જાય ?”

“સાત સાત વખત અફળ. વાલો બેઈમાન ન્હોય, જૂમલા.”