પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
સોરઠી બહારવટીયા
 


મરતાં મરતાં સોઢીએ જુબાની આપી કે મને મામદ જામે મારી છે. બંદૂક પણ મામદ જામની ઠરી. બન્નેને કેદ પકડ્યા.

અલાણો સાક્ષી આપે છે કે “સાહેબ, સોઢીને મેં મારી છે. મામદ જામ નિર્દોષ છે.”

મામદ જામ તકરાર કરે છે કે “ના મહેરબાન મેં મારી છે. જુઓને આ બંદૂક પણ મારી છે. અલાણો ખેાટો છે.”

કચેરીમાં મુન્સફને તાજ્જુબી થઈ ગઈ કે આ બેય જુવાનો એક બીજાનાં ખુન પોતાને માથે એાઢી લેવાની કેવી છાતી બતાવે છે !

મામદ જામ ઉપર બીજુ તહોમત એારતના ખુનનું મૂકાયું.

અલાણાને સાત વર્ષની સજા મળી, અને મામદ જામને કાળા પાણીનો ફેંસલો મળ્યો.

મદાવાદથી ઉપડેલી રાતની ગાડી, અધરાત ગળતી હતી તે વખતે, સુસવાટા મારતી અને વગડામાં પાવા વગાડતી પૂરા વેગમાં ચાલી જાય છે. એના એક ડબામાં ત્રીસ હથીઆરધારી સિપાહીઓ અને એક જમાદારની ચોકી નીચે સાત કાળા પાણીની સજાવાળા બહારવટીયાઓ એક બીજાનાં મ્હોં સામે જોઈને બેઠા છે. એક જોરાવર મામદ જામ છે, અને છ ધનાળાના મીયાણા છે.

મહીસાગરના પૂલ માથે આવીને ગાડી ધીરી પડી. ચોકીદાર સિપાહીઓમાંથી થોડા જણ જરા ઝોલે ગયા. બહારવટીયાએ એક બીજા સામે આંખેાની ઈશારત કરી. હાથમાં બેડી, પગમાં બેડી, હલવું ચાલવું સહેલું નથી, છતાં સહુ એક સામટા કુદ્યા. હાથની બેડીઓ ચોકીવાળાની ખેાપરીમાં ઝીંકી, હથીઆર ઝુંટવી, બે ત્રણને ઠાર કરી, મહીસાગરમાં પરબારી છલંગો મારી. પોલિસો હાંફળા ફાંફળા બની કાંઈ જોઈ શકયા નહિ કે આ શું થયું.