પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલેા નામોરી
૧૨૯
 

સોરઠમાં બળધોઈ નામે ગામ છે, બળધોઈ ગામ હાથીયાવાળા નામે કાઠી તાલુકદારનું છે. એ ગામમાં રામબાઈ નામની રજપૂતાણી, અને એ રજપૂતાણીની સાથે મામદ જામને આડો વહેવાર બધાયો છે.[૧] અને વાલાને એ વાતની જાણ થઈ છે. વાલાએ મામદ જામને માણસો સાથે કહેવરાવ્યું કે “મામદ જામ ! અલ્લા નહિ સાંખે હો, રહેવા દે. બહારવટીઓ, નાપાક ન્હોય.”

“વાલા મોવરને કહેજો કે મારી વાતમાં વચ્ચે ન આવે. હું બહારવટામાં કયાંય ગેરવ્યાજબી વર્તતો હોઉં, તો ભલે મને બધુંકે દ્યે. બાકી મારા ખાનગી વહેવારમાં તો હું ચાય તે કરૂં !” એવો મામદ જામે જવાબ દીધો.

વાલાનો જીવ કળીયે કળીયે કપાવા લાગ્યો. પણ મામદ જામ જેવા જોરાવર સાથીને જાકારો દેવાની, કે એની સામે વેર ઉભું કરવાની વાલાની છાતી ચાલી નહિ.

એમ થાતાં થાતાં એક દિવસ દડવા ગામના કુવાડીયા આયરની સાથે રામબાઈ રજપૂતાણીના ધણીનો સંદેશો મામદ જામ ઉપર આવ્યો કે “પરમ દિવસ આવજે. હાથીયાવાળાના. ગઢમાં રૂપીઆ ત્રણ હજારની કોથળી તૈયાર ટપ્પે પડી છે. ”

સંદેશો સાંભળીને મામદ જામ વરલાડલા જેવા પોષાકમાં સાબદો થયો. અને કહ્યું “હાલ વાલા, આકડે મધનું પોડું ટીંગાય છે.”

“મામદ જામ ! જાવા જેવું નથી હો ! અને તારાં પાપ, ત્યાં આપણી પહેલાં પહોંચીને બેસી ગયાં હશે હો ! જ્યાંની જમીનને તેં નાપાક બનાવી છે, ત્યાં આપણો ભાર ધરતી ઝીલશે નહિ.”


  1. મીયાણાઓ આ વાતનો ઉગ્ર ઇન્કાર કરે છે. તેઓ કહે છે કે મામદ જામ ઘણો જ પવિત્ર આદમી હતો.