પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
સોરઠી બહારવટીયા
 

પણ મામદ જામ ન માન્યો. વાલાને સાથે લઈ સાંજ ટાણે બળધોઈને માથે વાર વ્હેતી કરી.

ખળાવાડમાં અનાજના ગંજ ઉભા છે. ખેડુતો રાત પડ્યે ચાંદરડાને અજવાળે પાવા વગાડે છે. હવાલદાર અને પગી પસાયતા તાપણું, કરીને બેઠા છે. બહારવટીયાઓ પ્રથમ ત્યાં જઈને ત્રાટક્યા. માણસોને બાંધીને કેદ કરી લીધા, અને ગામને ઝાંપે જઇ ફક્ત બેજ ભડાકા કર્યા ત્યાં તો, દરબારગઢમાં હાથીયોવાળો કંપવા લાગ્યા. બેબાકળા બનીને દરબાર પોતાનાં ઘરવાળાંને પૂછવા માંડ્યા કે “ હવે શું કરૂં ?”

સામે કાઠીઆણી ઉભાં હતાં તેણે કહ્યું “ શું કરૂં કેમ ? આ મારાં એક જોડ્ય લૂગડાં પહેરીને બેસી જાવ. બહારવટીયાને કહેશું કે દરબારને બે ઘર છે !”

“અરરર !” બોલીને દરબાર ઝાંખા પડી ગયા.

“ત્યારે પૂછતાં શરમાતા નથી દરબાર ? અટાણે પૂછવાનો સમો છે ? કે લેખે ચડી જવાનો ?”

દોડીને પોતાનાં ત્રીસ બંદૂકદારો સાથે હાથીયાવાળો મેડીએ ચડ્યા. અને બહારવટીયાએ બજાર કબ્જે કરી લીધી. ગઢની મેડીએથી દરબારી માણસોએ ભડાકા કર્યા. ગામ ધુમાડે ઢંકાઈ ગયું, અને બહારવટીયા દરબારગઢની દિવાલો ઠેકીને અંદર ઉતર્યા. જુવે તો એારડે એારડે તાળાં.

મેડીએ ચડીને બહારવટીયાએ હાથીયાવાળાને હાકલ દીધી કે “એય કાઠીડા, લાવ ચાવીયું, નીકર હમણાં તારો જાન કાઢી નાંખશું.”

નામર્દ હાથીયાવાળાનાં હાજાં ગગડી ગયાં. એણે ચાવી ફગાવી દીધી. વાલો તો બજાર સાચવીને ઉભો છે એટલે મામદ જામે ઓરડા ઉઘાડવા માંડ્યા.

પહેલો ઓરડો ઉઘાડે ત્યાં અંદર દરબારગઢની ને ગામની