પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલો નામોરી
૧૩૩
 

વાલાની આમન્યામાં વર્તજો. વાલો નીતિવાન છે. લ્યો ભાઈ, હવે રામ રામ છે. સહુ સજણોને સો સો સલામું છે.”

એમ બેાલીને પોતે બે હાથ માથે અડાડી દસે દિશામાં ફર્યો. અને પછી યા અલ્લા ! કહીને પેટ ઉપરથી પાઘડીના બંધ છોડી નાખ્યા. છોડતાંની વાર જ આંતરડાં નીકળી પડ્યાં. મામદ જામ કબરમાં ઢગલે થઈ ગયો.

એને દફન કરીને બહારવટીયા ચાલ્યા ગયા.

૧૦

કલ બોદલા ! કમબખ્ત ! અબળાને જીવતે મુવેલી કરી ? આ લે ઈનામ ! ”

એટલું બોલીને વાલાએ પોતાની સામે બેઠેલા કકલ બોદલા નામના સંગાથી પર બંદૂક તાકી. ગોળી છોડી. પણ પાસે બેઠેલા બીજા સાથીએ ઝડપથી હાથ ઉંચો કરી બંદૂકની નળીને ઠેલો માર્યો. કકલના માથા ઉપર થઈ હવામાં સનેનાટી બોલાવતી ગોળી ચાલી ગઈ.

“ખેર !” કહી વાલાએ બંદૂક નીચે નાખી દીધી. “તારી યે બાજરી હજી બાકી હશે. ખુદા તારાં લેખાં લેશે !”

પેાતાના સાથીઓ તરફ ફરીને એ બોલ્યો :

“આપણે બારવટું થઈ રહ્યું ભાઈઓ, આજથી બરાબર અઢી દિવસે આપણને હડકવા હાલશે.”

ડુંગરની ગાળીમાં સૂરજ આથમવા ટાણે ગમગીન ચહેરો લઈને બેઠેલા વાલાએ પોતાના સાથીઓને કળકળતી આંતરડીનાં આવાં વેણ સંભળાવ્યાં, અને લમણે હાથ દઈને સહુ સાથીડા એ આગમ-વાણી સાંભળી રહ્યા. કોઈના મ્હેાંમાંથી સામો શબ્દ નીકળે તેવું નહોતું રહ્યું, તો યે થરથરી ઉઠીને સાથીઓ બોલ્યા

“હાં ! હાં ! વાલા ! એવડું બધું વેણ–”