પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમો જત
 


“મરજી બીજી શી હોય ?” જુવાન જતાણીએ છાતી કાઢીને જવાબ દીધો, “ભા કુંભાજીની હારે ભરી પીઓ.”

"અને તું ? "

“હું મારા ભાઈ પાસે ભોગાટ ગામે જઈને આ છોકરાં મોટાં કરીશ.”

“ગોંડળની ફોજ કનડશે તો ?”

“તો મને ય હથીઆર વાપરતાં ક્યાં નથી આવડતાં ? ”

“ઠીક ત્યારે અલ્લાબેલી !”

“અલ્લાબેલી ! અમારી ચિંતા મ કરજો. સાહેબ ધણી તમને ઝાઝા જશ દેવરાવે !”

ભીમો દેખાવે ભારી રૂડો જુવાન હતો. ગજાદાર તો એટલો બધો હતો કે હજાર માણસની મેદની વચ્ચે એની છાતી બધાથી ઉંચેરી દેખાય, માથું જાણે આભમાં રમતું હતું. ભવાં જાડાં : અાંખો કાળી, ચમકતી ને ઠરેલી: અને એ ગોરવરણા ચહેરાને ફરતી કાજળઘેરી દાઢી મૂછ એક વાર જોયા પછી કદિ ન ભૂલાય તેવો મ્હોરો બતાવતી હતી. એવા જવાંમર્દ ભાયડાને 'અલ્લાબેલી' કરતી નાથીબાઈ પણ જતની દીકરી હતી, એટલે રૂપ તો ઢગલાબંધ પથરાણું હતું.

ચારે ભાઈઓએ સુરજ આથમવા ટાણે ભાદર કાંઠે જઈને નમાજ પઢ્યા. ભાદર માતાનાં ભરપૂર વહેતાં નીરમાંથી ખોબો ખોબો ભરીને છેલ્લી વારનું પાણી પીધું. પોતાની બે સાંતીની સીમ હતી તેમાંથી ચપટી ચપટી માટી લઈને માથા ઉપર ચડાવી ભીમો બેાલ્યો કે

“ માતાજી, તેં આજ સુધી અન્ન દીધાં ને ભાદર માતાએ પાણી આપ્યાં. એ અન્ન પાણીથી બંધાયેલી આ કાયા જો ઉપર ને ભીતરથી પાક રહી હોય, તો તો બારવટામાં ભેરે રહેજો, ને જો તમારૂં કણ સરખું યે કૂડી કરણીમાં વપરાણું હોય તો અમારૂ ધનોત પનોત નીકળી જાજો.”