પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
સોરઠી બહારવટીયા
 

વાલાના ડચકાં ખાતા મોંમાં પાણી મેલીને મોવરે કહ્યું કે “વાલા ! તારા જીવને ગત કરજે, તું મફતનો નથી મર્યો; પણ એક ગોરાને અને બે બીજા અમલદારોને મારીને મર્યો છે.”

તારી ટપાલું તણા, વિલાતે કાગળ વંચાય
(ત્યાં તો) મઢમું બંગલામાંય, વાળે મોઢાં વાલીયા !

[ હે વાલા ! વિલાયતમાં આંહીની ટપાલ વ્હેંચાય છે, ત્યારે કૈંક મઢમો. પોતાના ધણીનું તારે હાથે મૃત્યુ થયું જાણી મ્હેાં ઢાંકી રૂદન કરે છે.]

× × × × ×

વાલાના મોતની ખબર જુમલા ગંડને પહોંચી. જુમલાએ રાજકોટ સરકારને જાસો મોકલ્યો કે “વાલાને દગાથી માર્યો છે, પણ હવે તમે ચેતતા રહેજો.”

ધ્રાંગધ્રા તાબે મેથાણ પાસેના વોંકળામાં જુમલો છુપાણો છે. સાહેબ ગીસ્ત ત્યાં આવવાની હોવાના એને સમાચાર મળ્યા છે. જુમો તો ગાંઠ વાળીને બેઠો છે કે પહેલે જ ભડાકે સાહેબનું માથુ ઉતારી લેવું.

ગીસ્ત લઈને ધ્રાંગ્રધ્રા પોલિસનો ઉપરી સુટર સાહેબ ચાલ્યો આવે છે. એ કાબેલ ગોરો સમજી ગયો છે કે જુમાની બંદૂક ટોપીવાળાને જ ગોતી લેશે. એટલે એણે કરામત કરી. પોતાની સાથેના એક પઠાણને સારી પેઠે દારૂ પીવાડી, ચકચૂર બનાવી, પોતાનો પોષાક પહેરાવ્યો. અને પોતે પઠાણનો વેશ પહેર્યો. સાહેબને વેશે બેભાન પઠાણ બહારવટીયાઓની સામે ચાલ્યો. તૂર્ત જુમાની ગેાળીએ એના ચુંથા ઉરાડી મૂકયા.

ત્યાં તો એકલા જુમલા ઉપર પચાસ ગોળીઓની પ્રાછટ બોલી, જુમો રૂંવાડે રૂંવાડે વીંધાઈ ગયો, જરાક જીવ રહ્યો હતો, છતાં જુમો પડ્યો નહિ, એની બંદૂકની નળી ધરતી સાથે ટેકો લઇ ગઇ, અને કંદો છાતીએ ગોઠવાઈ ગયો. એ રીતને ટેકે જુમો મરતો મરતો પણ જીવતા જવાંમર્દની માફક બેઠો રહ્યો.