પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
સોરઠી બહારવટીયા
 

સૂટ૨ની તથા બજાણા પાલિસની ટુકડીઓને દૂર રહી રહી વોંકળામાં છુપાયેલા બહારવટીયા પર ફોગટના ગોળીબ્હાર કરતી દીઠી. એ સંખ્યાબંધ હથીઆરધારીઓમાંથી કોઇની છાતી લૂંટારાઓની ઉપર જઇ પહોંચવામાં નથી ચાલી.

એક તલવાર ભેર થોભણજી એકલો દોડ્યો. લુંટારાઓની ઉ૫ર ત્રાટક્યો. પાપથી ઢીલા બની ગયેલા સાતે જણા એ જુવાનની એકલી તલવારે પતી ગયા.

પતાવીને થોભણજી બહાર નીકળવા જાય છે, એણે પણ મીંયાણાએા બાંધે છે તેવી “ગંધી” કમર પર બાંધેલી હતી. દૂરથી સૂટર ભરમાયો એ બહારવટીયો છે. સૂટરની ગેાળી છૂટી. થોભણજી ઢળી પડ્યો.

આજુબાજુથી એકઠા થઈ ગયેલા જતો આ નિર્દોષના મૃત્યુથી ઝનૂન પર આવી ચડ્યા. (તેએાને વ્હેમ પડયો કે બહારવટીયાઓને મારવાનો જશ ખાટવા માટે જાણી બુઝીને સૂટરે એને માર્યો.) પણ બજાણાના પોલિસ ઉપરીએ સહુને શાંત કરી લીધા.

[રાવણહથ્થા વાળા નાથાબાવાઓ જુમલા ગંડનો એક રાસડો નીચે મુજબ ગાય છે.]

ગંઢ કાંથડના જૂમલા રે વાગડને રે'વા દે

ચાર ભાઈઓનું જોડલું જૂમા
પાંચમો ભાવદ પીર—કાંથડના૦

પડાણ માથે ગંઢડા નીકળ્યા
લીધી વાગડની વાટ—કાંથડના૦

ઘોડલે ચડતા ખાનને માર્યો
હમીરીઓ નાવ્યો હાથ—કાંથડના૦

પ્રાગવડ ભાંગી પટેલને માર્યો
ચોરે ખોડ્યાં નિશાણ—કાંથડના૦

ઝંડીયો ડુંગર ઘોડલે ઘેર્યો
ઘણાનો કાઢ્યો ઘાણ—કાંથડના૦

અંજા૨ની સડકે સાધુ જમાડ્યા
બોલો જૂમાની જે—કાંથડના૦

પગમાં તોડો હાથમાં નેજો
ભાવદી ભેળો થાય—કાંથડના૦