પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમો જત
 


પંદર વીસ કણબણોને કોરડા સારી મારી, એનાં બાળબચ્ચાં રોતાં મેલાવીને, લોહીને આંસુડે રોતી હાજર કરી. ફોજના અમલદાર ગર્ભિણીના ગર્ભ વછૂટી જાય એવી ત્રાડ દઇ ધમધમાવવા મંડ્યા કે “બેાલો રાંડો, કોણે કોણે ને ક્યારે ક્યારે ભાત દીધાં ?”

“મારા પીટ્યા ! તારાં વાલાંમાં વિજોડ પડે ! તને ભગવાનનો ય ભો' નથી ? અમે તે શું વ્હાલપના રોટલા દઈ આવીએ છીએ ? તારા કાકાએ બબ્બે જોટાળીયું બંદુકું સામી નોંધીને ઉભા રહે છે. અને ધરાર અમારાં ભાત ઉપાડી જાય છે.” કણબણો ફાટતે મ્હોંયે સાચી વાત બોલવા માંડી.

“બોલો ક્યાં ક્યાં છે બારવટીયા ? નીકર જીભ ખેંચી કાઢીશ.”

“આ પડ્યા ચાડિકે તારા કાકા ! પાંચ હજારની ફોજ ફેરવછ, તે જાને એને મારવા ! સીતેર જ માણસે પડ્યો છે ભાદરનો સાવઝ ભીમડો.”

ચાડિકાના ડુંગર માથે થોડા થોડા પત્થરોની ઓથ લઈને બહારવટીયો લપાણો છે. ભેળાં ફક્ત સીત્તેર માણસો છે. દારૂગોળાનો તોટો નથી. એમાં પાંચ હજારની ફોજ સમુદ્રના પાણી સરખી વહી આવે છે. ઉંચા પત્થર ઉપર ચાડિકો બેઠો હતો તેણે વારનાં હથીયાર ચમકારા કરતાં દીઠાં. ચાડિકાએ ખબર દીધા કે “બંધુકું ધરબો.”

ડુંગર ઉપર સીતેર બરકંદાજ અને નીચે: પાંચ હજારની પલટનઃ સાંજોસાંજ સુધી ધીંગાણું ચાલ્યું. રાત પડી એટલે બહારવટીયા પ્રભુને ખેાળે બેસી ગયા. અંધારામાં બહારવટીયાને અદૃશ્ય થયા જોઈને હાથ ઘસતી ફોજ નિસ્તેજ મ્હોંયે પછી વળી.

ગોંડળથી મકરાણીઓને માથે હુકમ આવ્યો કે “ભીમાની બાયડી નાથીબાઈ ઉપર દબાણ લાવો ! એને કનડ્યા વગર ભીમો નમશે નહિ.”