પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમો જત
 

ગામ જોવા હલક્યું. જત બધા ઉશ્કેરાઈને તયાર થયા. મકરાણીઓએ તૂર્ત થાણાનો માર્ગ લીધો. પણ પછી તે મેરવદરમાં રહેવામાં આબરૂને અાંચ આવવાનું જેખમ જાણીને નાથીબાઈ બે દીકરી તથા દીકરાને તેડી માલણકા ગામે ગઈ, અને ત્યાંથી ભા કુંભાને કહેવરાવ્યું કે

“રજપૂતનો બેટો આવી હલકાઈઓ ન દાખવે. અને છતાં મને પકડવી હોય તે હાલ્યા આવજો !”

બીઆરાના ડુંગર ઉપર ગેબનશા પીરનું એક નિર્જન પુરાતન થાનક હતું. ભીમો બહારવટીયો ગામ ભાંગીને જ્યારે જ્યારે બબીઆરે આવતો ત્યારે પીરની કબર પર કીનખાપની નવી સોડ્ય અને નવી નીલી ધજા ચડાવતો. હવે તો ભીમે બબીઆરા ઉપર જ પોતાનું બેસણું રાખ્યું છે. પીરના થાનક ઉપર ગુલમોરનાં ઝાડવાં લાલ ચુંદડી ઓઢીને ઉભાં હોય તેવાં ફુલડે ભાંગી પડે છે. સવાર સાંજ નળીયામાં લોબાનનો ધૂપ કરીને ભીમો પોતાની તલવારને પણ ધુપ દે છે. તસ્બી ફેરવે છે, અને પછી ચોમેરથી જાસૂસો આવે તેની બાતમી સાંભળે છે. ગણોદ ભાંગીને અને ભાણાજી દરબારને ઠાર મારીને ગઈ કાલે જ ભીમો આવ્યો છે. ત્યાં આજ એક દૂત દોડતો દોડતો બબીઆરે ચડ્યો આવે છે.

“કેમ, વલીમામદ ? શા સમાચાર ? ” ભીમે તસ્બી ફેરવતાં ફેરવતાં પૂછ્યું.

“ભાદર-કાંઠો તો આખો ય ઉજ્જડ ! ફક્ત વાઘરીઓ, તરબુચના વાડા વાવે છે.”

“ભલે વાવતા બચાડા ! પણ ખબરદાર, સાંતી નામ જૂતવા દેશો મા, હો કે ! ”

ત્યાં બીજે જાસૂસે ડોકું કાઢ્યું. મ્હોં શ્યામ થઈ ગયેલું છે.

“કેમ મોઢે મશ ઢળી છે સુલતાન ?”