પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
સોરઠી બહારવટીયા
 


“ખસી જા બાપુ બેનડી ! ઘેર તારી ભોજાઈયુંને માથાં ઢાંકવા સાડલા નથી.”

લુંટી, માલ સાંઢીયા માથે લાદી, ડુંગરમાં રવાના કરી, રાત પડી એટલે ભીમે આખા ગામને ભેળું કરી ચોક વચ્ચે 'જીંડારી' નામની રાસને મળતી રમત લેવરાવીઃ

"જીંડારી લઇશ રે જીંડારી લઈશ
“કુંભાજીના રાજમાં જીંડારી લઈશ.”

એવાં ગીત ગાઈને અધરાત સુધી સીમાડા ગજાવ્યા. પણ કોઇ વાર આવી પહોંચી નહિ, એટલે જમીયલશાના જેજેકાર બોલાવતો ભીમો બહાર નીકળી ગયો.

ઉપલેટું ઉંઘે નહિ
ગોંડળ થર થર થાય,
લીધી ઉંડળમાંય
ભલ ધોરાજી ભીમડા

પાનેલી ગામના લખમણ સોનીના દીકરીની જાન ઢાંક ગામે જાતી હતી. ભેળાં ત્રણ ગાડાં હતાં. ભાદર, માલણ અને એાઝત નદીની ઉંડી ઉંડી ભેખડોના પત્થર પર ખડ ખડ અવાજે રડતાં ગાડાંની અંદર જાનૈયા ઝોકે જાતા હતા અને સરવા સાદ વાળી સોનારણ જાનડીઓ કાઠીઆણીઓના જેવા મીઠા સૂર કાઢી

મો૨ જાજે ઉગમણે દેશ
મો૨ જાશે આથમણે દેશ
વળતો જાજે રે વેવાયું ને માંડવડે હો રાજ !

એવાં લાંબાં ઢાળના ગીતોને સૂરે સીમાડા છલોછલ ભરતી, ગાડું ચડીને પછડાય તેની સાથે જ ઉચી ઉલળીને પાછી પટકાતી પટકાતી ગાતી જાય છે. વચ્ચે વચ્ચે પરજીઆ ચારણોનાં નેસડાં આવે છે, અને પદ્‌મણી શી ભેંસો ચારતા ચારણો ડાંગોના ટેકા લઈ ઉભા ઉભા ટૌકા કરે છે કે “એલા આ ટાણે જાનું ક્યાં