પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીમો જત
૧૩
 

લઈ હાલ્યા ? ભીમડો કાકો ભાળ્યો છે ? તમારાં ડીલની ચામડી સોત ઉતારી લેશે.”

“એ......ભીમો કેાઈ દિ' જાનુંને લૂંટે નહિ, લૂંટે.”

એમ બોલીને ગાડાખેડુઓ ગાડાં ધણધણાવ્યે જાય છે.

એમાં બરાબર વાવડી વાળી વાવ દેખાણી ને સુરજ આથમ્યો. અંધારા ઘેરાવા લાગ્યાં. પાછળ અને મોઢા આગળ, બેય દિશામાં ગામડાં છેટાં રહી ગયાં. વગડો ખાવા ધાય એવી નિર્જનતા પથરાઈ ગઈ. જાનનાં ગાડાં ઉઘાડી સીમમાંથી નીકળી વાવડી વાવનાં ઝાડની ઘટામાં દાખલ થયાં, કે તૂર્ત જ પાંચ બોકાનીદાર પડછંદ હથીઆરધારીઓએ છલાંગ મારીને વોળાવીયાની ગરદનો પકડી. એના જ ફેંટા ઉતારીને એને ઝકડી લઈ વાવના પગથીયાં ઉપર બેસાર્યા, અને પડકારો માર્યો કે “ઉભાં રાખો ગાડાં !”

ગાડાં ઉભાં રહ્યાં. માણસો ફફડી ઉઠ્યાં.

“નાખી દ્યો ઝટ ઘરેણાં, નીકર હમણાં વીંધી નાખીએ છીએ. ” એટલું કહીને બંદૂકો લાંબી કરી.

વરરાજાના અંગ ઉપર એના બાપે માગી માગીને ઘરેણાં ઠાંસ્યાં હતાં. ફાગણ મહિનાનો ખાખરો કેસૂડો ફાટી પડતો હોય એવાં લુંબઝુંબ ઘરેણાં વરરાજાએ પહેર્યા હતાં. એ તમામ ઉતારીને વરનો બાપ થરથરતો સામે આવ્યો. કાંપતે અવાજે બોલ્યો કે

“ભાઈ, આ બીજો બહારવટીયો વળી કોણ જાગ્યો ?”

“એાળખતો નથી ? ભીમડો કાકો !”

“હેં ! ભીમા બાપુનાં માણસ છો તમે ? ભીમો બાપુ જાનુંને તો લૂંટતો નથી ને ?”

“કોણ છે ઇ !” કરતો સામી ભેખડમાંથી સાવઝની ડણક જેવો અવાજ ગાજ્યો, “આંહી લાવો જે હોય એને.”

સોની જઈને પગમાં પડી ગયો “એ બાપુ ! આ પારકા ઘરેણાં : માગી માગીને આબરૂ રાખવા લીધાં છે.”