પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
સોરઠી બહારવટીઆ
 


“તે ભા, તારૂં હોય એટલું નોખું કાઢી લે. બાકી બીજાઓના દાગીના ઉપર તો તારા કરતાં મારો હક વધુ પહોંચે છે.”

“ભીમા બાપુ ! મારી ઉમેદ ભાંગો મા, વેવાઈને માંડવે મારી આબરૂ રાખવા દો. અને વળતાં હું તમને કહેશો એટલું પાછું સોંપતો જઈશ.”

“આપી દ્યો એનાં ઘરેણાં પાછાં, અને ભાઈ, તું પાછો વળીશ ત્યારે દીકરીને રૂપીઆ પાંચસોની પહેરામણી અમારે દેવી છે. કદિ' વળશો ? ”

“પરમ દિ' બપોરે.”

જાન ક્ષેમકુશળ ચાલી ગઈ. ત્રીજે દિવસે પરણાવીને પાછા વળ્યા તે વખતે, એ જ ભેખડે બેસીને ભીમો વાટ જોતેા હતેા.

“આ લે આ રૂપીઆ પાંચસો રોકડા. અને દીકરીને આ એક કાંઠલી.”

કાંઠલી લેતી વખતે સોનીનો હાથ અચકાયો. પણ મ્હોંયેથી બોલાયું નહિ.

“કેમ હાથ ચોર્યો ?” ભીમાએ ડોળા ફાડીને પૂછયું.

“બાપુ, આ કાંઠલી ચેારીની હશે તો હું માર્યો જઈશ.”

“સાચી વાત. આંહી તો ચોરીની જ ચીજ છે ભા. શાહુકારી વળી બારવટીયાને કેવી ? આપો એને રૂા. ૩૦૦ રોકડા.” એમ બોલીને ભીમો હસ્યો.

બહારવટીયા પાસેથી પહેરામણી લઈને જાન પાનેલીને કેડે ચાલી ગઈ.

"બાપુ દીકરી ઉમ્મર લાયક થઈ છે, એને કન્યાદાન દેવું છે.”

“તે મા'રાજ, તમે ઠેઠ પાનેલીથી પંથ કરીને અહીં આવ્યા એ શું ? પાનેલીમાં એટલા પટેલીયા ને શેઠીઆ પડ્યા છે, એમાંથી કોઈએ શું એટલી ખેરીઆત ન કરી ?”