પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
સોરઠી બહારવટીયા
 


કાઠી રાણીંગવાળાને ઘેર કાઠીઅાણીના ઉદરમાં મેલ્યો, અને બાઈને દિવસ ચડયા લાગ્યા.[૧]

નવ મહિને દીકરાનો જન્મ થયો. માતાના પેટમાંથી નીકળાતાંજ બાળકને કપાળે ભભૂતનું તિલક દેખાણું. ફુઈએ 'એાળી ઝોળી' કરીને 'બાવો' નામ પાડયું. રાણીંગવાળાએ ધમસાણનાથની જગ્યામાં વધુ જમીન દીધી. પણ નાનપણમાં જ બેટા બાવાને મેલીને રાણીંગવાળાએ પરભવનું ગામતરૂં કર્યું.

* * *

આજે સુડાવડ ગામમાં કારજ છે પહેલી પાંતે રોટલા ખાઈને બાર વરસનો બાવાવાળો સૂડાવડને ચોરે લોમા ધાધલ નામના અમીરના ખેાળામાં બપોરે નીંદર કરે છે. માથે લાંબા લાંબા કાનશીયા જટા જેવા વિખરાઈ પડયા છે. મુખની કાન્તિ પણ કોઈ ભેખધારીને ભજે તેવી ઝળહળે છે. કારજમાં જેતપૂરનો કાઠી દાયરો પણ હાજર છે.

“ કાં કાકા ! ” જેતપૂરના દરબાર મૂળુવાળાએ દેવાવાળાને આંગળી દેખાડીને કહ્યું “જટા મોકળી મેલીને બાવો સૂતો છે. જોયો ને ? ”

કાકા દેવાવાળાએ ડોક ધુણાવ્યું કે “હા, બાવો ! સાચોસાચ બાવો ! ફુઈએ બરાબર નામ જોઈને આપ્યું છે હો ! બાવો ખરો, મોટા મઠનો બાવો !”

“અને આ બાવો લુંધીઆનાં રાજ કરશે ? એ કરતાં તો ખપ્પર લઈને માગી ખાય તો શું ખોટું ?”

“ દરબાર !” સનાળીના કશીયાભાઈ ચારણથી ન રહેવાતાં એ બોલ્યા, “બાવો ખપ્પર લેશે નહિ, પણ બીજા કોકને ખપ્પર લેવરાવશે, એ ભૂલતા નહિ. મલક આખાને બાવો લોટ મગાવશે. ”

× × ×

  1. * કોઈ કહે છે કે ઘમસાણનાથે પોતે નહિ, પણ એના એક ચેલાએ સમાત લીધેલી.