પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવા વાળો
૨૫
 

જુવાનીમાં આવતાં જ બાવે બારવટુ આદર્યું : એક જેતપુરના દરબાર મૂળુવાળા સામેઃ કેમકે એણે વાઘણીયા ગામમાં બાવાવાળાના બાપની જમીનનો ભાગ દબાવ્યો હતો. અને બીજું વીસાવદરના હરસૂરકા કાઠીઓની સામે. મૂળ વીસાવદર અને ચેલાણા પરગણાના ચોરાશી ગામ ઘેરે કરવામાં બે જણાનો હાથ હતોઃ બાવાવાળાના વડવાનો અને હરસૂરકા કાઠી માત્રાવાળાના બાપનો. પણ બેયની વચ્ચે વેરનાં બી વવાયેલાં. બાંટવાના દરબારે બેય વચ્ચે દા' સળગાવલો, એમાં બાવાના બાપ રાણીંગે બધો મુલક ઘેરે કરી માત્રાને બહારવટે કાઢેલો. માત્રાની આવરદા બહારવટું ખેડતાં ખેડતાં પૂરી થઈ ગયેલી.

ત્યાં તો બીજી બાજુ એજન્સીની છાવણી ઉતરી. જમીનના સીમાડા નક્કી કરવા નીકળેલા બાકર (Col. Walker) સાહેબના હાથમાં વીસાવદરનો મામલો પણ મૂકાયો અને એમાં એણે રાણીંગવાળાના હાથમાંથી તમામ ગામ આંચકીને માત્રાવાળાના દીકરા હરસુરવાળાને સોંપી દીધાં. રાણીંગવાળો તો બાવાને નાનો મૂકીને મરી ગયા. પણ મરણ ટાણે આઠ વરસના દીકરા પાસે પાણી મુકાવતો ગયો કે, “બેટા ! જો મારા પેટનો હો તો બાપની જમીન પાછી મેળવ્યા વગર ઝંપીશ નહિ.”

ઝાકાઝીક ! ઝાકાઝીક ! ઝાકાઝીક ! બાવાવાળાની તરવાર ફરવા માંડી. “હરસૂરકાના વંશને રહેવા દઉં તો મારૂં નામ બાવો નહિ” એવી પ્રતિજ્ઞા લઈને બાવો પંદર સોળ વરસની ઉમ્મરે તો હરસૂરકાનાં લીલાંછમ માથાં વાઢવા લાગ્યો.

મેં જાણ્યું રાણીંગ મુવે, રેઢાં રે'શે રાજ,
(ત્યાં તો) ઉપાડી ધ૨ આજ, બમણી, ત્રમણી બાવલે.

સૂંઠ જ સવા શેર, ખાધેલા તોં વેળા ખત્રી
ઘોડે કરીયલ ઘેર બાપ રાંણીંગ જયું બાવલા

વાઢયા અમરેલી વળા ખાતે લાડરખાન
લખ વોરે લોબાન, બાંય નો વોરે બાવલા.