પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
સોરઠી બહારવટીયા
 

ગયા. છેટેથી સાહેબને અને બાવાવાળાને ભાળતાં જ ભોજાએ ચસ્કો કર્યો કે :

“બાવાવાળા, ટુંકું કરવું'તું ને !”

“થાય નહિ બા. ઘંટ સાહેબે હથીઆર છોડી દીધાં. પછી એનું રૂંવાડું ય ખાંડુ ન થાય. સુરજ સાંખે નહિ.”

“ત્યારે હવે ?”

“હવે જ્યાં આપણે ત્યાં સાહેબ.”

“પણ એના ખાવા પીવાનું શું ? ઈ તો સુંવાળું માણસ કહેવાય. બાદશાહી બગીચાનું ફુલ.”

“એમાં બીજો ઉપાય નથી. આપણે ખાશું તે સાહેબ ખાશે. બહારવટાં કાંઈ દીકરાનાં લગન થેાડાં છે ?”

સાહેબ તો સમજતા હતા કે સોરઠનો બહારવટીયોયે કોણ જાણે કેવી યે સાયબીમાં મ્હાલતો હશે. પણ સાંજ પડતાં જ સાહેબનો ભ્રમ ભાંગી ગયો. પથરાનાં ઓશીકાં, ધૂળની પથારી, બાજરાના ધીંગા રોટલાનાં ભોજન, અને આ ડુંગરેથી પેલે ડુંગરે સળગતા બપોરે કે સુસવતા શિયાળાની અધરાતે ઉઘાડા આભ નીચે ઉતારા ! સાહેબને ગર લાગી. તાવ લાગુ પડ્યો. રોજરોજ બહારવટીયાની સાથેજ ઘોડાં તગડી તગડીને સાહેબની કાયા તૂટી પડી. એની નસો ખેંચાવા લાગી. રાત દિવસ એને કોઈ વાતચીત કરવાનું સ્થળ ન મળે. બહારવટીયા દારૂ પીને કલ્લોલ કરતા હોય ત્યારે પોતે તાવથી પીડાતો સુનમુન પડ્યો રહે. અને પોતાના છૂટકારાની ઘડી પણ ક્યારે આવશે એ વાતની ક્યાંય તાગ ન આવે. મોતનાં પરિયાણ મંડાયાં માનીને ગ્રાંટે ગીરની નિર્જનતા વચ્ચે પોતાનાં બાળબચ્ચાંના અને પોતાની વ્હાલી મઢમનાં વસમાં સંભારણાં અનુભવવા માંડ્યાં. એક દિવસ ધાણી ફુટે એવા બળબળતા તાવમાં પડ્યાં પડ્યાં, બેહાલ થઈ ગયેલા સાહેબે ડુંગરાની ગાળીની અંદર બહારવટીઆને નીચે પ્રમાણે વાત કરતા સાંભળ્યા: