પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
સોરઠી બહારવટીયા
 


જુવાન બાવાવાળાની આવી શાણી શીખામણ સાંભળીને મોટા મોટા તમામ અમીરોને ગળે ઘુંટડો ઉતરી ગયો. અને સાહેબ ઉપર જાપ્તો રાખીને બહારવટું ખેડાવા લાગ્યું. ગોરા ટોપીવાળાઓની જે વખતે ગામડે ગામડે ફે ફાટતી, તેવા વખતમાં બાવાવાળાની આવી ગઝબની છાતી સાંભળીને કીર્તિના દુહા જોડવા લાગ્યા કે

ટોપી ને ત૨વા૨ ન૨ બીજાને નમે નહિ,
સાહેબને મહિના ચાર, આ દીખાને રાખ્યો બાવલા !

[દેશમાં એમ કહેવાતું કે ટોપી અને તરવાર પહેરનાર અંગ્રેજ લોકો કોઈ બીજા માણસને માનતા નથી. પણ તેં તો હે બાવાવાળા, ગોરાને ચાર મહિના કેદમાં રાખ્યો]

વશ કીધો વેલણનો ધણી, ગરમાં - ઘંટને જે
(એની) વાળા વલ્યાતે બુંબું પૂગી બાવલા !

[વેલણ બંદરના સાહેબ ગ્રાંટને તે કેદ કર્યો, તેની બુમો તો ઓ બાવાવાળા ! છેક વિલાયત પહેાંચી ગઇ છે.]

ઘંટ ફ૨તો ઘણું દળવા કજ દાણા
એને મ્હોં બાંધીને માણા ! બેસારી રાખ્યો બાવલા !

[આ ગ્રાંટ સાહેબ, કે જે મોટી ઘંટી રૂપી બનીને બહારવટીયા રૂપી દાણાને દળી પીસી નાખવા ગીરમાં ફરતો (ચાલતો હતા), તેને હે બાવાવાળા, તે મ્હોં બાંધીને બેસારી દીધો. - આ દુહામાં 'ઘંટ' શબ્દ ઉપર શ્લેષ છે: (૧) ગ્રાંટ સાહેબ. (૨) બળદથી ચાલતી, અનાજ દળવાની મેાટી ઘંટી.]

સરકારે ગ્રાંટના વાવડ લેવા બહુ ઈલાજો કર્યા. પણ બહારવટીયાઓએ પતો લાગવા દીધો નહિ.

સરકારની શરમને પાર નહોતો રહ્યો. રાજકોટથી માંડી વિલાયત સુધીના ટોપીવાળા કાંડાં કરડતા હતા. કપ્તાન દરજ્જાનો એક અંગ્રેજ ગીરના કયા ગાળામાં દટાઈ રહ્યો છે, તેનો પતો ન મળે તો તો કાલ સવારે જ અંગરેજની બેસતી બાદશાઈને ગણકારશે કોણ ? સરકારી તોપખાનું ગીરમાં લઈ જઈને કયા ડુંગરા સામે માંડવું ? વિચાર પડતી વાત થઈ ગઈ.