પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
સોરઠી બહારવટીયા
 

માયાની દુહાઈ દઈને નોખાં પાડ્યાં. ચારણના દીકરા વચ્ચે આવવાથી બે ય માશીઆઈ નોખનોખી દિશામાં કટકને હાંકી ગયા.

*

“બાપુ ! ભાઈ મૂળુવાળાએ પારોઠનાં પગલાં ભર્યા !” એમ જેતપૂરમાં વાવડ પહોંચ્યા, સાંભળતાં જ દેવોવાળા પથારીમાં પડ્યા પડ્યા મોઢું ઢાંકી ગયા. ભત્રીજો આવતાં જ આપા દેવાએ પડખું ફરીને કહી દીધું કે “મને મ્હોં દેખાડીશ મા !”

“અરે કાકા ! પણ મારો વાંક નહોતો. હું ન ભાગું. મારાં ભાગ્ય અવળાં તે વાંદર્ય ફરી ગઈ, પણ હવે તમારે પગે હાથ દઈને કહું છું કે હું બાવાને ફરી વાર ભેટીશ, અને ઘોડી ફરી હતી કે હું ફર્યો હતો તે બતાવી દઈશ.”

એટલી ખાત્રી મળ્યા પછી જ દેવાવાળાએ મ્હોં પરથી લૂગડું ખસેડ્યું.

વો આવો આપા માણસૂર !” ડુંગરના તખ્ત ઉપર બિરાજેલા બાવાવાળાએ મહેમાનોને આવકાર આપ્યો.

“અાપા બાવાવાળા ! ” માણસુર ધાધલ બેાલ્યો, “હું આજ સ્વારથની વાતે આવ્યો છું.”

“બોલો બા ?”

“જો ભાઈ, મારે ગુંદાળા ગામમાં ખોરડાં કરવાં છે. પણ જો તું એ ગામને માથે ન પડવાનો હો તો જ હું ખેારડાં ઉભાં કરૂં.”

“આપા બાવાવાળા !” બાવાનો સંગાથી જેઠસૂર બસીઓ કે જે માણસૂર ધાધલનો સગો માશીઆઈ થતો હતો, તે વચ્ચેથી જ બોલી ઉઠ્યો: “ અાપા ! જો વેણ પળાય એમ હોય તો જ હા પાડજે હો. નીકર પછી થુક્યું ગળવું પડશે, ને અમારૂં બેય ભાઇયુંનું મોત બગડશે.”