પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવો વાળો
૪૯
 

ત્યાં માત્રો વેગડ ઉઠ્યો. એની માને એકનો એક હતો. પણ માત્રો ભાગે નહિ. બીજા બધાની લોથો ઢળી પડી હતી, તેની વચ્ચે એકલે હાથે પડકારા કરીને માત્રાએ ટક્કર લીધી. પણ ત્યાં તો એને માથે ઝાટકાના મે વરસી ગયા.

ગઢ ઠેકી લોમો ગીયો, વઢતે બાવલ વીર
(પણ) સધર્યું સાડ સધીર, મોત તાહાળું માતરા !

[લોમો તો પોતાના વીર બાવા વાળાના યુદ્ધ વખતે ગઢ ઠેકીને ચાલ્યો ગયો. પણ હે માત્રા વેગડ ! તે તો તારૂં મોત સુધારી લીધું.]

એમ માત્રાનું મોત સુધારી શત્રુઓ અંદર ગયા. બહારથી ભોજા માગાણીએ પડકાર દીધો કે

“બાવા વાળા હવે તો સુખની પથારી મે ! હવે તો ઓઝલ પડદો ઉપાડ્ય !”

“ભોજા, આવું છું. ઉભો રે'જે. ઉતાવળો થાઈશ મા.”

ઓરડામાંથી એવો પડકાર આવ્યો, બાવાવાળાએ ભરનીંદરમાં પડેલી પોતાની નવી રાણી આઈ રાઈબાઈને હળવેથી અંગુઠો ઝાલીને ઉઠાડી. ઝબકી ઉઠેલી કાઠીઆણીએ પોતાના સ્વામીનું રૂદ્ર સ્વરૂપ ભાળ્યું ભાળીને બોલી,

“શું છે દરબાર !?"

“કાઠીઆણી, તું ભાગી નીકળ !” એમ કહીને બાવાવાળાએ છેલ્લી વાર રાઈબાઈનું મ્હોં પંપાળ્યું.

"શું છે?"

“મારે છેલ્લે ક્યારે પાણી આવી પહોંચ્યાં, દગો થયો. દુશ્મનો બહાર ઉભા છે.”

“તે તમારૂં કહેવું શું છે દરબાર ! હું ભાગી નીકળું એમ ને ?” માર્મિક કટાક્ષે કાઠીઆણી તાકી રહી.