પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
સોરઠી બહારવટીયા
 


“ના ના, હું તને બદનામું નથી દેતો, પણ આપણા વંશનો દીવો ન ઓલવાય એ આશાએ કહું છું કે ભલી થઈને તુ લુંઘીયા ભેળી થઈ જા !”

“વંશ સાટુ ! કાઠી, વશ તુંને વા'લો છે, ઈથી વધુ વા'લું અસ્ત્રીની જાતને કાંઈક હોય છે, ખબર છે ને ?”

ત્યાં તો બહારથી હાકલા થયા, “બાવાવાળા, નીકળ ! બા'રો નીકળ ! બહુ ભુંડો દેખાછ ! હજી યે વાતું ખુટતી નથી ?”

અંદર વાતો થાય છે :

“કાઠીયાણી, મારૂં છેલ્લું કહેણ છે હો ! અને મેં એકને મારી છે, ભુંડાઈએ મારી છે, તેનું પ્રાયશ્ચિત કરવા દે. મારાં પાપ ધોવા સારૂ ભાગી છુટ-તારો જીવ ઉગારવા સારૂ નહિ.”

ડળક ! ડળક ! આંસુડાં પાડતી કાઠીઆણીની બેય આંખેામાં છેલ્લી પળે બાવાવાળાએ પોતાની પહેલી સ્ત્રીની પ્રતિમા તરવરતી દેખી, બીજી બાજુ બહારથી પડકારા ને મેણાંની ઝડી પડતી સાંભળી કાઠીઆણીને થંભેલી દીઠી. બાવાવાળાએ દોડીને રાઇબાઇનું કાંડું ઝાલ્યું. ધક્કો દઈને નાઠાબારી તરફ કાઢી. બહાર કાઢીને નાઠાબારીને પાછી અંદરથી સાંકળ ચડાવી. કાઠીઆણીનાં છેલ્લાં ડુસકાં સાંભળ્યાં. અને પાછા ઓરડે આવી સાદ દીધો,

“હવે આવું છું હો ભોજા ! ઉભો રે'જે !”

બહાર ઉભેલાઓને અંદરથી બખ્તરની કડીઓના ખણખણાટ સંભળાણા.

“એ બાવા વાળા ! ” ભોજે બુમ દીધી, “બાવા વાળો ઉઠીને અટાણે કાપડું શું પહેરી રહ્યો છે ? પ્રાણ બહુ વ્હાલા થઇ પડ્યા તે લોઢાના બખ્તરે બચાવવા છે? તારા નામનો દુહો તો સંભાર !