પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીજી આવૃત્તિનું નિવેદન

'બહારવટીયા'નાં વૃત્તાંતો પર તરેહ તરેહના તર્કો થઇ રહેલા છે. મને પૂછવામાં આવે છે કે શું લોકોને બહારવટે ચડાવવા છે ? પુસ્તકની સચોટ અસર વિષે પણ ભાતભાતનાં કારણો કલ્પાય છે: કોઈ કહે છે કે એના વાચન દ્વારા કતલ અને બદલો લેવાની બાલવાસનાઓ તૃપ્ત થાય છે, તેથી જ યુવકો એના પર આફ્રિન છે ! કોઈ કહે છે કે એમાં અંગ્રેજ અધિકારીઓની દુર્દશાનાં જે ચિત્રો આવે છે તે નિહાળવામાં પ્રજાનો અંગ્રેજી રાજ પ્રતિનો સ્વાભાવિક અણગમો સંતોષાય છે તે માટે પ્રજા પ્રેમથી વાંચે છે ! વગેરે વગેરે. આવી કોઈ કલ્પનાના ઘોડા છૂટા ન મૂકવા સહુને મારી વિનતિ છે. કેમકે હજુ તો અઢી ત્રણ ગણો ઇતિહાસ બાકી છે. અને મારો સવિસ્તર પ્રવેશક હજુ પાછળ છે. મારો હેતુ રાજદ્વારી નથી, ઐતિહાસિક છે. હું તો, રાજસત્તા જેને કેવળ “હરામખોરો ” શબ્દથી પતાવે છે અને બીજી બાજુથી અમુક વર્ગ જેને દેવતુલ્ય બતાવે છે, તે કાઠીઆવાડી બહારવટીયા વિષેનો વિવેક- પૂર્વકનો વિચાર કરવાની સામગ્રી પૂરી પાડી રહ્યો છું. હું તો બહારવટીયાની વીરતા સામે અંગ્રેજોની જવાંમર્દી પણ આલેખી રહ્યો છું.