પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
સોરઠી બહારવટીયા
 


“આપા ચાંપરાજ વાળા, તું તે આંહી તારી ફુઈની દીકરીને જીવાઈ અપાવા આવ્યો છે, કે કારજે આવ્યો છે ?”

“બેય કરવા, આપા જેઠસૂર ! એના ચોરાસી ગામના વારસદાર ધણી માત્રા વાળાને મોજડીયુંમાં ઉંટીયું ઝેર દઈને એક તો મારી નાખવો, અને પછી આ રંડવાળ કાઠીઆણીને રોટલાનું બટકુ ય ખાવા ન દેવું, એ કાંઈ કાઠીની રીત કહેવાય ! જીવાઈ તો કાઢી આપવી જોશે બા !” ચાંપરાજ ટાઢે કોઠે બોલતો ગયો.

“તારે કહ્યેથી જ કાંઈ જીવાઈ નીકળી જાય છે, ચાંપા ?”

“તો પછી મારે ચાઈને ટીંબલાનો આંટો ખાવો જોશે.”

“તો ભલે બા ! ખુશીથી આવવું.”

“તો આજથી સાતમે જમણ તમે સાબદાઈમાં રે'જો.”

એમ સામસામી વચનની બરછીઓ વછૂટતાં જ સહુને ફાળ પડી કે મામલો હાથ બહાર વહ્યો જાશે, એટલે ઘરનો ધણી ઉઠીને પાઘડી ઉતારી બેય પક્ષ વચ્ચે ઉભો રહ્યો. બેયને ઠાર્યા. પણ પછી કારજમાં ચાંપરાજ વાળાને કાંઈ સ્વાદ ન રહ્યો. રોંઢો થયો ને તડકા નમ્યા, એટલે ઘોડે ખડીયા નાંખી ચાંપરાજ વાળાએ રાંગ વાળી. રવાના થતાં થતાં કહ્યું કે “આપા હાથીઆ વાળા ને જેઠસૂર વાળા ! સાબદાઈમાં રે'જો હો, સાત જમણે અમે નક્કી આવશું.”

પોતાના કુટુંબની એક નિરાધાર કાઠીઆણીનો પક્ષ લેવા માટે એટલા ચકમક ઝેરવીને ચાંપરાજ વાળો ચરખે આવ્યો. બે દિવસ વીતી ગયા પછી એના ચિત્તમાં વિચાર ઉપડ્યો કે “બોલતાં બોલાઈ તો ગયું, પણ હવે ચડવું શી રીતે ? ટીંબલાના જણ છે જાડા, એને કેમ કરીને પહોંચાશે ?”

“બાપુ, વિચારમાં કેમ પડી ગયા છે ?” ચાંપરાજના મકરાણી જમાદારે વાત પૂછી.

“જમાદાર, ટીંબલા માથે ચડવાની જીભ કચરાઇ ગઈ છે.”