પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાંપરાજ વાળો
૫૯
 

“તે એમાં શું બાપુ ? આંટો ખાઈ આવશું. કયે જમણે ?”

“દિતવારે”

“ઠીક. પણ મને લાગે છે બાપુ, કે કદાચ ટીંબલાવાળાએ માન્યું હશે કે ચાંપરાજ વાળો થુંક ઉડાડી ગયો. બોલ્યું પળશે નહિ. એમ સમજીને હાંસીમાં કાઢી નાખશે. અને તૈયારીમાં નહિ રહે. માટે પ્રથમથી ખબર દઈ મોકલીએ.”

એ રીતે પ્રથમથી સમાચાર મોકલાવ્યા કે “દિતવારે આવીએ છીએ.” પણ ટીંબલાના દાયરામાં સામતવાળા નામે એક ગલઢેરો હતો. ચાંપરાજ વાળાને અને સામત વાળાને જળ–મીન જેવી પ્રીત. આની તરવાર આ બાંધે અને આની આ બાંધે, એવા મીઠા મનમેળ: ચાંપરાજે એ ભાઇબંધને કહેવરાવ્યું કે “સામતભાઈ, તું ભલો થઈને દિતવારે ઘરે રહીશ મા.”

માંડવડેથી કાંધો વાળો, વરસડેથી બીજો કાંધો વાળો, વગેરે પોતાના વળના જે મોટામોટા કાઠી હતા તેને ટીંબલાવાળાએ શનિવારે સાંજથી જ બોલાવીને ભેળા કર્યા. રવિવારે સવારે આખા દાયરાએ હથીઆર ૫ડીઆર બાંધીને ચોરે બેઠક કરી, બરાબર આ બાજુ કસુંબાની ખરલો છલોછલ ભરાઈને પ્યાલીઓમાં રેડી પીવાની તૈયારી થઈ, ગઢમાં ઉના રોટલા, ગોરસ અને ખાંડેલી સાકરના ત્રાંસ ભાતલાં પીરસવા સારૂ તૈયાર ટપકે થઈ ગયાં, અને બીજી બાજુ ગામને પાદર ચાંપરાજ વાળાના મકરાણીઓની બંદૂકોના ભડાકા સંભળાયા. સબેાસબ ! કંસુબા પડતા મેલીને કાઠીઓ ચોરેથી નીચે કુદ્યા. તરવારોની તાળી પડી અને ધાણી છુટે તેમ બંદૂકોમાંથી ગોળીઓ વછૂટી. માંડવડાનો કાંધો વાળો અને વરસડાનો બીજો કાંધો વાળો ટીંબલાની બજારમાં ઠામ રહ્યા, અને બાકીના કૈક કાઠીઓ પાછલી બારીએથી પલાયન થઈ ગયા.

ચાંપરાજ વાળાનો દાયરો ચોરા માથે ચડે ત્યાં તો કસુંબલ અમૃતની છલોછલ ખરલો ભરેલી દીઠી. માણસોએ પૂછ્યું “બાપુ, લેશું , કંસુબો ?”