પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાંપરાજ વાળો
૬૧
 


“બ્‍હેન, તમારે જે કાંઈ લૂગડાંલતાં, દરદાગીનો અને ઘરવખરી લેવી હોય તે નોખી તારવી લ્યો."

ગાડાં આવીને હાજર થયાં એમાં રૂપદેબાઈનો માલ ભરાયો. અને એક માફામાં રૂપબાઈને બેસાર્યા. ત્રણ કાઠી અસવારોને ચાંપરાજ વાળે હુકમ કર્યો કે

“બેનની સાથે જાવ. જો રસ્તે ક્યાંય ટીંબલાવાળા આડા ફરે તો ત્યાં ને ત્યાં કટકા થઈ જજો. વાવડ દેવા ય પાછા વળશો મા.”

“બાઈયું, બેન્યું ! ” ગઢની કાઠીઆણીઓને ચાંપરાજે હાથ જોડીને કહ્યું, “તમે કોરે ખસી જાવ. અને તમારા દાગીના કાઢી દ્યો. રૂપદેબાઇની ચડત જીવાઈ પણ ચુકવવી જોશે.”

હાકલ પડતાં જ કાઠીઆણીઓ પોતાની કાયા માથેથી એકેએક દાગીના ઉતારી ઢગલો કરવા મંડી. અને ચાંપરાજ વાળો આઘેરો જઈ ઉભો રહ્યો. ત્યાં એક બાઈએ ચાંપરાજ વાળાના અસવારને કહ્યું.

“ભાઈ, કડલાં સજ્જડ ભીડાઈ ગયાં છે, નીકળતાં નથી.”

“તો કાપવો પડશે પગ ! ”

ત્યાં તો ગઢની પછીત પાછળથી “હેં........! પગ કાપવો છે ! ” એવી ત્રાડ સંભળાણી. અને ઉઘાડી તલવારે એક પડછંદ આદમી છલાંગ મારીને દોડતો આવ્યો.

“કોણ સામત !” ચાંપરાજ વાળે ચકિત થઈને પૂછ્યું.

“હા બાપ, હું સામત ! મને તેં એાળખ્યો ભેરૂ ? ના ના, સાચી ઓળખ નો'તી પડી ! ”

“અરે સામત ! તું હજી અાંહી ?” એમ કહી ચાંપરાજ વાળો આડો ફર્યો.

“હું અાંહી ન હોત તો મારે કપાળે કાળી ટીલી ચોંટત. પણ હું વખતસર ચેત્યો, ચાંપરાજ ! લે, હવે ઝટ તલવાર લે.”