પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાંપરાજ વાળો
૬૫
 

અમરેલી આવજી અભંગ ભડ ૨મવા ભાલે
(તે દિ') મરેઠીયુ રંગમોલે ચાંપાને જોવા ચડે.

[એ શુરવીર ચાંપરાજ ! તું ભાલાની રમત રમવા અમરેલી ગામની બજારોમાં દાખલ થાય છે, ત્યારે તને નિરખવા માટે, ઉંચી મ્હેલાતોમાંથી મરાઠા અધિકારીઓની સ્ત્રીઓ ડોકાં કાઢી રહી છે.]

ધોળે દિવસે પણ અમરેલીની બજારો ઉજ્જડ થવા લાગી. ચાંપરાજને ભાલે ભલભલા જવાનો વીંધાવા માંડ્યા. અને લૂંટનો અઢળક માલ ચરખા ભેળો થવા લાગ્યો.

દખણી ગોવિંદરાવ ડરે, રંગમોલમાંય રાડ્ય
કાઠી નત્યો કમાડ, ચોડે બરછા ચાંપડો.

[ગોવિંદરામ નામનો સૂબો (અથવા તો મહારાજ ગોવિંદરાવ ગાયક વાડ) ચાંપરાજના ભયથી મુંઝાવા લાગ્યો. રાજમહેલમાં બુમો પડે છે. કેમકે ચાંપરાજ વાળો છેક કમાડ ઉપર બરછી મારીને ચાલ્યો જાય છે.]

[૧]ચાંપા ફકરા સિંહરા, રંગ થોભા પ્રજરાણ
બડોદરે ભડ બંકડા, પાડ્યો ધવે પઠાણ

[સિંહ સરખા કાઠી ફકીરા વાળાના પુત્ર ચાંપરાજ વાળા ! કાઠીની ત્રણે પરજો (ખાચર, ખુમાણ, વાળા)ના રાણા ! રંગ છે તારા થોભાને ! કેમકે તેં તો હે બંકા મરદ ! વડોદરાની બજારમાં જઇ ગાયકવાડના પઠાણ કોમના લશ્કરી અમલદારને ધબ્બો મારીને ધૂળ ચાટતો કરી દીધો. ]

લ૫ દીધેલ જાંબુવરણા ઘાટા થોભાવાળો એક આદમી એકલ ઘોડે એક ઉંડા વોંકળાની ભેખડની ઓથે બેઠો છે. બાજુમાં ઘોડી હમચી ખુ઼ંદી રહી છે. અને 'ધીરી બાપા ! ધીરી રેશમ !' એવે સ્વરે ઉતાવળી થાતી ઘોડીને ટાઢી પાડતો પાડતો અશવાર, પોતાના ખડીયામાંથી ખરલ કાઢીને કસુંબો ઘુંટે છે. ભમ્મર ભાલો, ભેખડને થડ ટેકવેલ છે, તે તરવાર તો પૂજાના પુષ્પ જેવી


  1. આ દુહો એમ બતાવે છે કે ચાંપરાજ વાળો વડોદરાની લુંટ કરવા પણ ગયો હશે.