પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
સોરઠી બહારવટીયા
 

સન્મુખ જ પડેલ છે. સુરજ મહારાજ સોનાવરણા થઈને આભમાં એનો સાત ઘોડાનો રથ ઉતાવળે હાંકવા માંડ્યા છે.

"રંગ હો ! રંગ હો ! રંગ હો સૂરજ રાણ !” એમ ત્રણ વાર કસુંબો ઉગમણી દિશામાં છાંટીને જેમ અસવારે ત્રણ રંગ દીધા, તેમ વોંકળાની ભેખડ ઉપરથી ગીસ્ત ઉતરી : મોખરે મોટા દાઢીમૂછાળા આગેવાનો : પચીસ પચીસ ઘોડેસવારો અને સો એક પગપાળા બરકંદાજો !

“એ આવો બા આવો ! કસુંબો પીવા ઉતરો !” એમ ભેખડને થડ બેઠેલા એકલ આદમીએ આગ્રહ કર્યો.

"ઉતરાય એમ તો નથી ભાઈ ! મરવાનું યે વેળું નથી.” એમ ગીસ્તના મોવડીએ જવાબ દીધો.

“કાં એવડું બધું શું છે ?”

“આ ચાંપરાજ વાળો અમરેલી ભાંગીને જાય છે, એને અધરાતના ગોતીએ છીએ.”

“અરે ભાઈ ! મારૂં ગામ પણ ચાંપરાજે આજ રાતમાં જ ભાંગ્યું છે. હું ય અમરેલી જાહેર કરવા જાતો'તો. ચાંપરાજે તો અરેરાટ વર્તાવ્યો છે. પણ શું કરીએ ? કસુંબો પીધા વન્યા કાંઈ છૂટકો છે ? ઉતરો ઉતરો બા ! આથમ્યા પછી અસૂર નહિ !”

ગીસ્તને તો એટલું જ જોતું હતું. ઉતર્યા. ઘાસીયા પથરાયા. મ્હોં ધોઈને કોગળા કર્યા. કસુંબો પીધો. પછી એકલ આદમીએ વાત છેડી :

“હેં બા ! આમાં તમને ક્યાંઇક ચાંપરાજ ભેટ્યો હોય તો શું કરો ?”

ગીસ્તના માણસો અડખેપડખે જોવા લાગ્યા.

“સાચું કહું દરબાર ?” મુખ્ય માણસ બોલ્યો.

“હા, કહો !”

“પ્રભાતનો પહોર છે. મ્હોંમાં પારકો કસુંબો છે. સાચું કહું છું કે અમે એને ફક્ત રામ રામ કરીને તરી જાઈએ."