પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
સોરઠી બહારવટીયા
 

ઠાકોરે પોતાના પાદર ઉભેલો ચાંપરાજ વાળાને દીઠો. દેખતાં જ એને વહેમ આવ્યો. ક્યાં રહેવું ? ક્યાંથી આવે છે ? એમ પૂછપરછ કરતા કરતા ઠાકોર ચાંપરાજ વાળાની થડમાં ગયા. ઘોડીની લગામ ઝાલીને આગ્રહ કરવા માંડ્યા કે “એ બા ! ઉતરો, ઉતરો, રોટલા ખાઈને પછી ચાલજો.”

બન્નેની રકઝક ચાલવા માંડી. ચાંપરાજ વાળાને તો આવી રીતની પરોણા ચાકરી ઠેકઠેકાણે મળતી હોવાથી કાંઈ કાવત્રુ હોવાનો વહેમ જ ન આવ્યો. પણ પડખે એક ચારણ ઉભેલો હતો. તેણે એક કાગડા સામે કાંકરો ફેંકીને કહ્યું કે

“ઉડી જાજે કાગડા !”

એ વેણ કાને પડતાં જ, ચાંપરાજ વાળો સમસ્યા સમજી ગયો, ઘોડીને દાબી, ઝેાંટ મારીને ઠાકોરના હાથમાંથી લગામ છોડાવીને ભાગ્યો. પણ પગલે પગલે એણે પોતાના મોતના પડછાયા ભાળ્યા.

ગુજરાતમાં ભમતાં ભમતાં એક ચારણને મુખેથી ચાંપરાજે સમાચાર સાંભળ્યા કે “ચાંપરાજ વાળા, તમે તો રઝળો છો, પણ મૂળુભાઈ ઉપર સરકારે બહુ ભીંસ કરવા માંડી છે. એનો ગરાસ જાવાનો થયો છે. તમારી ખુટલાઈના ઢોલ આખી કાઠીઆવાડમાં વાગી રહ્યા છે.”

સાંભળીને ચાંપરાજ વાળો ઝંખવાણો પડી ગયો. બહારવટે નીકળ્યા પહેલાં એની લૂંટફાટની બૂમ એટલી બધી વધી હતી કે સરકારે એની સારી ચાલચલગતના હામી માગ્યા હતાં. એ સમયે જેતપુર દરબાર મૂળુ વાળા હામી થયા હતા. ચાંપરાજ વાળાને સાટે એણે પોતાનાં તમામ ગામ ખાલસા થવાનો કરાર સરકારને કરી દીધો હતો. એટલે અત્યારે મૂળુ વાળા ઉપર સરકારનું આકરૂં દબાણ ચાલી રહ્યું હતું.