પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
સોરઠી બહારવટીયા
 

બાપ ! તુંને ભો નથી ? અબઘડી જામની ફોજનાં ભાલાં વરતાશે. માટે તું ઝટ નીકળી જા.”

“એ ના ના, ખાધા વિના તો આજ નહિ નીકળું. તુંને જો તારા ઘરમાં ચોર સંઘરવાનો ભો હોય તો ભલે, હું ભૂખ્યો તરસ્યો ભાગી જાઉં.”

રોટલા તૈયાર થયા. જામની ભેંસો દોહવાઈ રહી. નાથાએ લીલવણી બાજરાના બે ધડસા જેવા રોટલા પટકાવ્યા. પછી ઓડકાર ખાઈને કહ્યું “લે ફુઈ હું જાઉં છું, પણ ભેંસુને ખીલે ય જો જામનાં માણસ અડવા આવે તો સંભળાવી દેજે કે વીણે વીણેને હું એનાં માથાં વાઢે લેશ.”

નાથો ગોધલા હાંકીને બહાર નીકળ્યો. એટલે પાદરમાં સીસલી ગામના કોઠા ઉપર ચડીને ઉભેલા આદમીએ કહ્યું કે “ભાભા ! વાર વહી આવે છે. અને તને ભેટ્યા વગર નહિ રહે.”

ગાડા ઉપર ઉભા થઈને નાથાએ કોઠા તરફ હાથ લંબાવી કહ્યું “ફકર નહિ ભા ! લાવજે તારી તરવાર કાલ્ય પાછી દઇ મેલીશ. સાથે એક તરવાર જ બસ છે.”

કોઠાવાળા આદમીએ તરવાર લાંબી કરી, લઈને નાથો ઉપડ્યો. સીમાડે પોતાનું ગાડું રોકી ઉભો રહ્યો. ત્યાં તો અસવારો ભાલે આભ ઉપાડતા આવી પહોંચ્યા. આઘેથી નાથાએ પડકાર્યું “એ ઉતાવળા થાવ મા. ઘોડાંને પેટપીડ ઉપડશે. અને હું તાં તમારી વાટ્ય જોઈને જ ઉભો છાં. નીકર કાંઈ તમને મારા આ ગોધલા આંબવા દે ખરા કે ?”

એક જ તરવાર લઈને નાથો ઉતર્યો. સાત અસવારને સોરી નાખ્યા. એટલે પછી બાકીની વાર પાછી વળી. વારમાંથી માણસો વાત કરવા માંડ્યા કે "આ તો મારૂં બેટું કૌતક જેવું ?”

"શું?"

“અમે બરાબર એના અંગ ઉપર ઝાટકા માર્યા. એને એકેય ઘા ફુટ્યો જ નહિ.”

“ભાઈ, એને વરદાન છે. આભપરા વાળા બુઢ્ઢા બાવાનું."