પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૯૭
 

ઓખામંડળ એટલે તો ઠાંસોઠાંસ કાંટાળા વગડાં અને ઉંડા વખંભર ખડા. વળી કાબાકુળનો તો અવતાર જ લૂંટ કરવા સાટુ હતો. માછલાં મારે, મછવા લઈને દરિયામાં વ્હાણ લૂંટે, અને હડી કાઢીને ધરતીમાં જાત્રાળુઓ લૂંટે, પણ કાબા ભેળા રજપૂત ભળ્યા, તે દિવસથી માણેક રાજાઓએ તીર્થધામનું રક્ષણ આદર્યું અને જાત્રાવેરો ઠરાવી જાત્રાળુઓનું જતન કરવા માંડ્યું.

માણેક કળીમાં માંહે માંહે કોઈ અમૂલખ પુરૂષો પાક્યા. એણે વાઘેરોની જાતમાં ખાનદાનીના રંગ ચડાવ્યા. સમૈયો માણેક ઓખામાં આજ પણ ઘરોઘર સાંભરે છે. કેવી કેવી એની વાતો થાય છે:

સોરઠ ધરામાંથી એક દિવસ સવારે દ્વારકાના દરબારગઢમાં એક ગાડું આવીને છૂટ્યું છે. અંદરથી બે ધણીધણીઆણી ઉતર્યાં. સ્ત્રીના હૈયા ઉપર કેશુડા સરીખો બેટડો રમી રહ્યો છે.

ડેલીએ ગાડું છૂટેલ ભાળીને દરબાર સમૈયાજીએ સાદ કર્યો “કેર માડુ આય ?”

“સમૈયા માણેક ! હકડી ઓરત અચી આય. હી બાઈ તો હીં ચુવેતી કે મુ જે તો સો નારીએર સમૈયા માણેકજે કપારમે ઝોરણાં !” [એક એારત આવી છે, ને એ તો એમ કહેછે કે મારે તો સમૈયા માણેકના કપાળમાં એકસો નાળીએર ફોડવાં છે.]

પરદેશણ બાઈએ કહેવરાવ્યું : “બાપા ! ભૂલ ભૂલમાં મારાથી જીભ કચરાઈ ગઈ છે. દીકરો નો'તો થાતો, તે માનતા કરી કે જો શામળાજી દીકરો દેશે તે દ્વારકાના દેવરાજા સમૈયાને કપાળે હું એક સો શ્રીફળ વધેરીશ. મેં તો જાણ્યું તું કે સમૈયો માણેક દેવ થઈ ગયા હશે અને એનો પાળીઓ પૂજાતો હશે !"

“નાર સમૈયા ! તોજી માનતા ! ફોડ હણેં મથ્યો ! દેવજા ડીકરા !”